પીએમ કૅર્સ ફંડમાંથી વડા પ્રધાન શબ્દ કાઢવાની અરજી અંગે કોર્ટે કેન્દ્રનો જવાબ માગ્યો

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : પ્રાઈમ મિનિસ્ટર કેર્સ ફંડમાંથી પ્રાઈમ મિનિસ્ટર શબ્દ કાઢી નાખવાની માગણી કરતી અરજીના સંદર્ભમા મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. આ અરજીમાં વડા પ્રધાન શબ્દ સિવાય વડા પ્રધાનના ફોટો અને રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકની ઈમેજોને પણ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટમાંથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે. 
આ જનહિતની અરજી કૉંગ્રેસના મેમ્બર વિક્રાંત ચવ્હાણે કરી છે. અરજીમાં જણાવાયું છે કે આમ કરીને બંધારણની જોગવાઈઓનો તથા ધી એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ (પ્રિવેન્શન ઓફ ઈપ્રોપર યુઝ)ની જોગવાઈઓનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ જનહિતની અરજીની સુનાવણી મંગળવારે એક ડિવિઝન બૅન્ચે કરી હતી. 
અરજીમાં એવો દાવો કરાયો છે કે આ ટ્રસ્ટ 27 માર્ચ, 2020ના એક ધર્માદા ટ્રસ્ટ તરીકે સ્થાપવામાં આવ્યું હતું. લોકોના આરોગ્ય વિશે કોઈ સંકટ ઊભું થાય કે પછી કોઈ ઈમર્જન્સી આવે કે કુદરતી આપદા સર્જાય ત્યારે એનું ફંડ વાપરવાનો એનો આશય છે. ટ્રસ્ટનો દાવો છે કે અમને સરકાર પાસેથી કોઈ ફંડફાળો મળતો નથી અને જે ફંડફાળો આવે છે એ લોકો અને સંગઠનો-કંપની પાસેથી આવે છે. ફાળો આપનારને ઈન્કમ ટૅક્સ ઍક્ટ હેઠળ 100 ટકા બાદ પણ મળી શકે છે. 
અરજીમાં દાવો કરાયો છે કે આ ટ્રસ્ટ કોઈ સરકારી ફરજ બજાવતું નથી. એ એક સ્વીકાર્ય તથ્ય છે કે આ ટ્રસ્ટ ભારત સરકારનું ફંડ નથી અને એમાં જે ફંડ છે એ ભારત સરકારની તિજોરીમાં જતું નથી. 
અરજીમાં જણાવાયું છે કે આવી સ્થિતિમાં ટ્રસ્ટની વેબસાઈટ પર જો વડા પ્રધાનનું નામ કે ફોટો મૂકવામાં આવે, ત્રિરંગા અને  રાષ્ટ્રીય પ્રતીકની ઈમેજો મૂકવામાં આવે તો એ અયોગ્ય છે. 
મંગળવારે કોર્ટમાં આ અરજીની એકદમ ટૂંકી સુનાવણી થઈ હતી. આ મુદ્દે કેન્દ્ર સરકાર જવાબ ફાઈલ કરે એ માટે કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહને સૂચના આપી હતી. આ કેસની સુનાવણી હવે 25 ઓક્ટોબરના થશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust