22મી અૉકટોબરથી સભાગૃહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં કોરોનાના ઉપદ્રવને પગલે બંધ કરવામાં આવેલા બંધ સભાગૃહો અને ખુલ્લી જગ્યામાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમ આવતી 22મી અૉક્ટોબરથી યોજી શકાશે એવી જાહેરાત આજે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અમિત દેશમુખે કરી છે. આ અંગેનો નિર્ણય આજે મહારાષ્ટ્ર સરકારના પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવ્યો છે. જોકે, આ બંધ સભાગૃહ અને ખુલ્લી જગ્યામાં થતા કાર્યક્રમમાં બેઠકની ક્ષમતા કરતાં 50 ટકા કરતાં વધારે પ્રેક્ષકો બેસાડી નહીં શકાય. બંધ સભાગૃહમાં વ્યાસપીઠ (મંચ) અને પ્રેક્ષકોની બેઠકો વચ્ચે કમસે કમ છ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત રહેશે. આ કાર્યક્રમમાં સહભાગી થનારા બધા કલાકારોએ કોરોનાની રસીના બન્ને ડૉઝ લીધા હોય એ જરૂરી છે. સભાગૃહના સ્વચ્છતા ગૃહો અને શૌચાલય સ્વચ્છ રાખવા અનિવાર્ય રહેશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust