દાદર ખરીદીએ આવનારા ગ્રાહકોને મળશે સુવિધાજનક વૅલેટ પાર્કિંગ

વેપારી સંગઠને કરી વિશિષ્ટ પહેલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : દાદર ખાતે ખરીદીએ આવનારા ગ્રાહકોની સૌથી મોટી સમસ્યા એટલે કાર પાર્કિંગની. અહીં કાર પાર્ક કરવાની યોગ્ય સુવિધાના અભાવે લોકો દુકાનની બહાર જ કાર પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની પણ ભારે સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનો  સચોટ ઉપાય દાદર વ્યાપારી સંઘ દ્વારા વૅલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરીને કરવામાં આવ્યો છે. કદાચ દેશમાં પ્રથમ વાર શરૂ થઈ રહેલી પાર્કિંગની વ્યવસ્થા અંગે જણાવતા દાદર વ્યાપારી સંઘના અધ્યક્ષ સુનીલ શાહે `જન્મભૂમિ'ને જણાવ્યું કે, પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારી સંઘે મહાપાલિકાની સાથે ટ્રાફિક પોલીસને બે સ્થળે વૅલેટ પાર્કિંગ શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો એની અમને મંજૂરી મળતા આગામી 3-4 દિવસમાં પાર્કિંગની સુવિધા કાર માલિકોને ઉપલબ્ધ થશે. દાદર ખાતે બે વૅલેટ પાર્કિંગ બનશે જેમાં એક સેના ભવન પાસે હશે તો બીજું પ્લાઝા સિનેમાની બાજુમાં બનશે. વૅલેટ પાર્કિંગ ખાતે 1100 કાર પાર્ક કરવાની સુવિધા છે.
આ અંગે સુનીલ શાહે જણાવ્યું કે, જે રીતે ફાઇવસ્ટાર હોટેલમાં આવનારની કાર હોટેલના કર્મચારી પાર્કિંગ લોટમાં લઈ જાય છે અને ફોન કરી જાણ કરતા પાછી ગેટ પાસે લઈને આવે છે એજ રીતે સમગ્ર મુંબઈથી ખરીદી માટે દાદર આવનારા ગ્રાહકો જે દુકાનમાં ગ્રાહકો આવશે ત્યાંથી વૅલેટ પાર્કિંગ દ્વારા નિયુક્ત ડ્રાઇવર કાર લઈ જશે અને જ્યારે તેમની ખરીદી પૂરી થશે કે ડ્રાઇવર પાછો તેમની ગાડી દુકાન પાસે આપી જશે. ઉપરાંત કાર વૅલેટ પાર્કિંગ ખાતે ઇલેક્ટ્રિક કાર માટેના ઇવી પોઇન્ટ અને કાર વૉશ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
તમે આટલી સુવિધા આપી રહ્યા છો તો એનો ચાર્જ પણ વધારે હશે? પ્રશ્નના જવાબમાં સુનીલ શાહે જણાવ્યું કે, તમને જાણીને નવાઈ લાગશે પણ પહેલા ત્રણ કલાક માટે આ સેવા નિ:શુલ્ક છે. તો એ પછીના પ્રત્યેક કલાક માટે પચાસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust