કોલસાનો પુરવઠો પૂરતો છે : પ્રહ્લાદ જોશી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રીય કોલસાપ્રધાન પ્રહ્લાદ જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં સોમવારે રેકર્ડ કોલસાની  માગને પૂર્ણ કરાઇ છે. કોલસા મંત્રાલય દેશની માગને પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહી છે. કોલ ઇન્ડિયા લિમિટેડ પાસે વર્તમાનમાં 22 દિવસ ચાલે એટલો જથ્થો છે. અનેક રાજ્યો પર વીજ સંકટ તોળાય રહ્યાના અહેવાલ વચ્ચે સોમવારે 1.94 મિલિયન કોલસાનો પુરવઠો મોકલી દેવાયો હોવાનું જોશીએ જણાવ્યું હતું. 
દરમિયાન આજે સવારે કેન્દ્રીય ઊર્જાપ્રધાન આરકે સિંહ અને કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહ્લાદ જોશીએ વડા પ્રધાન મોદી સાથે કોલસાના પરિવહન અંગે ચર્ચા કરી હતી. સરકાર કોલસાની ભારે માત્રામાં આયાત કરી પાવર પ્લાન્ટ્સની વીજ માગને પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહી છે. ઊર્જા સચિવ આલોક કુમાર અને કોલસા સચિવ એકે જૈને આ બાબતની રજૂઆત વડા પ્રધાન સમક્ષ કરી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું. કોલસાની અછત અંગે ચિંતા વ્યકત કરતાં જોશીએ જણાવ્યું હતું કે કોલસાના ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ પર આ વખતે ચોમાસાની અસર જોવા મળી છે. આયાત કરેલા કોલસાની કિંમત 60 રૂપિયા પ્રતિ ટનના સ્થાને રૂા. 190 પ્રતિ ટન હોવા છતાં તે ખરીદવામાં આવશે અને વીજ ઉત્પાદન કરતા તમામ પ્લાન્ટની જરૂરિયાત પૂર્ણ કરાશે. 15થી 20 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા છે.  જોશીએ જણાવ્યું હતું કે ગઇ કાલે 1.95 લાખ ટન કોલસાનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો એ અત્યારસુધીનો રેકર્ડ છે. અમે કોલસાની માગને વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયસા કરી રહ્યા છીએ. અમને આશા છે કે ચોમાસા બાદ પરિસ્થિતિઓ સુધરી જવાની શકયતા છે. સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ જોશીએ જણાવ્યું હતું કે 21 અૉકટોબર સુધીમાં વીસ લાખ ટન કોલસાનો પુરવઠો પહોંચાડવાનો પ્રયાસ કરીશું.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust