માનવાધિકારને ગરીબોની ગરિમા સાથે ગાઢ સંબંધ : વડા પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : માનવ અધિકાર સંબંધે ઓનલાઈન સભાને સંબોધિત કરતા વડા પ્રધાને ટિપ્પણી કરી કે ભારતનું સ્વતંત્રતા આંદોલન અને એનો ઇતિહાસ ભારત માટે માનવાધિકારો અને માનવાધિકારોના મૂલ્યો માટે પ્રેરણાનું એક સૌથી મોટું સ્રોત છે. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે આપણે અન્યાય-અત્યાચારનો વિરોધ કર્યો, આપણ સૈકાઓથી આપણા અધિકારો માટે લડયા છીએ.
વડા પ્રધાને કહ્યું કે માનવાધિકારને ગરીબોની ગરિમા સાથે ગાઢ સંબંધ છે. તેમણે કહ્યું કે જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિને સરકારી યોજનાનો સમાન હિસ્સો નથી મળતો તો અધિકારો અંગે સવાલ ઉપસ્થિત થાય છે. તેમણે કહ્યું કે ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તિ અપાવવા માટે શૌચાલય મળે છે. એ રીતે ગરીબ વ્યક્તિ બૅન્કમાં પ્રવેશ કરતા અચકાતો હોય, એને જન ધન ખાતું મળે છે, જેના થકી ગરિમા સુનિશ્ચિત થાય છે. એ રીતે રૂપે કાર્ડ, ઉજ્વલા ગૅસ કનેક્શન અને મહિલાઓ માટે પાકા મકાનોના સંપત્તિ અધિકાર જેવા ઉપાય આ દિશામાં મુખ્ય પગલાંઓ છે.
છેલ્લાં થોડાં વરસોથી થઈ રહેલી ઉપાય યોજનાઓની યાદી જણાવવાની સાથે વડા પ્રધાને કહ્યું કે વિવિધ વર્ગમાં વિવિધ સ્તરે થઈ રહેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. દાયકાઓ સુધી મુસ્લિમ મહિલાઓ ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાની માગણી કરી રહી હતી. અમે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવી મુસ્લિમ મહિલાઓને નવા અધિકાર આપ્યા છે મહિલાઓ માટે અનેક સેક્ટર ખોલવામાં આવ્યાં છે. એ સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેઓ ચોવીસે કલાક સુરક્ષિત રીતે કામ કરી શકે.  તેમણે કહ્યું કે કામ કરતી મહિલાઓ માટે 26 અઠવાડિયાંની મેટરનિટી લિવ આપવાનો નિયમ બનાવાયો છે. આ એક એવી બાબત છે જેને અનેક વિકસિત દેશો પણ હાંસલ કરી શક્યા નથી. એ જ રીતે વડા પ્રધાને ટ્રાન્સ-જેન્ડર, વિચરતી જાતિ વગેરે માટે સરકાર દ્વારા ઉપાય યોજનાઓ અમલમાં મુકાઈ છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust