કૉંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે રાષ્ટ્રપતિને મળશે

ગૃહ રાજ્ય પ્રધાનના રાજીનામાની માગણી 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કૉંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ આવતી કાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માગણી કરશે. ત્રીજી અૉક્ટોબરે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આંદોલનકારી ખેડૂતોને ગાડી નીચે કચડી નાખવાના કેસમાં મિશ્રાનો પુત્ર આશિષ આરોપી છે અને આશિષની ધરપકડ બાદ હાલમાં એને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિને મળવા જનારા પ્રતિનિધિ મંડળમાં રાહુલની સાથે તેમનાં બહેન અને પાર્ટીના મહામંત્રી પ્રિયંકા ગાંધી વડરા તેમ જ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કેસી વેણુગોપાલ, એકે એન્ટની, ગુલામ નબી આઝાદ, અધિર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગે પણ જોડાશે.
કૉંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિને મુલાકાત માટે લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ધોળા દિવસે ખેડૂતોના આ હત્યાકાંડથી આખો દેશ હચમચી ગયો છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જે બેફામ કારની નીચે ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા એ કાર કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પરિવારની છે અને મિશ્રા હજુએ પ્રધાન પદે બેઠા છે એટલું જ નહીં આ ઘટના અગાઉ તેમણે જાહેરમાં ખેડૂતોને પરિણામો ભોગવવાની ચેતવણી ઉચ્ચારી હતી. પત્રમાં આક્ષેપ કરાયો છે કે આ દારુણ ઘટનાને નજરે જોનારાઓના કહેવા પ્રમાણે જે કાર નીચે ચાર ખેડૂતો કચાડાયા એ કાર પ્રધાન પુત્ર આશિષ મિશ્રા પોતે જ ચલાવી રહ્યો હતો. 
આ ઘટના બાદ કૉંગ્રેસે મૃતકોને ન્યાય અને મુખ્ય આરોપી આશિષ મિશ્રાની ધરપકડ માટે ઉગ્ર દેખાવો કર્યા હતા. યુપી પોલીસે ગયા શનિવારે ખેડૂતોની હત્યાના કેસમાં મુખ્ય આરોપી આશિષની ધરપકડ કરી હતી, સોમવારે આશિષને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ કોર્ટે આપ્યો હતો. 
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust