કોલસા સપ્લાય-વીજળી ફાળવણીની સમીક્ષા કરાઈ

નવી દિલ્હી, તા.12 : વડાપ્રધાન કાર્યાલયે દેશમાં કોલસા સપ્લાયની સ્થિતિ અંગે મંગળવારે સમીક્ષા બેઠક યોજી હતી. વીજ પ્લાન્ટોમાં કોલસાની તંગી દૂર કરવા કેન્દ્ર સરકારે પગલાં ઝડપી બનાવ્યા છે. કોલસા મંત્રાલય, રેલવે મંત્રાલય અને વિદ્યુત મંત્રાલય મળી એક ક્રાઈસીસ ગ્રુપની રચના કરવામાં આવી છે. જેમાં ત્રણેય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને વીજ કંપનીના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા આ ગ્રુપ સ્થિતિ પર નજર રાખી રહ્યં છે. જરૂર પડયે કોલસો ભરેલી માલગાડીઓને ડાયવર્ટ કરવામાં આવશે. સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. 
વિદ્યુત મંત્રાલયે જે રાજ્યો વીજળીમાં સરપ્લસ છે તેમને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ આ અંગે સૂચિત કરે જેથી જરૂરિયાતમંદ રાજ્યોને વીજળીની ફાળવણી કરી શકાય. જો કોઈ રાજ્ય પાવર એકસચેંજમાં વીજળી વેંચતા ધ્યાને આવશે અથવા ફાળવવામાં આવતી વીજળીને શેડયૂલ નહીં કરે તો તેમને ફાળવવામાં આવતી વીજળીને અસ્થાયી રીતે ઓછી કરવા અથવા પાછી લેવામાં આવી શકે છે. તથા આ વીજળીને અન્ય રાજ્યોને પુન:ફાળવણી કરી શકવામાં આવી શકે છે, જેમને તેની જરૂર હશે. કેન્દ્રએ વીજળીનું નુકસાન ઓછું કરવા તથા ચોરી રોકવા વિતરણ કંપનીઓ માટે ઉર્જાનું નિયમિત ઓડિટ ફરજીયાત બનાવ્યું છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust