મંદાકિની ખડસેની આગોતરા જામીનની અરજી અદાલતે નકારી

મંદાકિની ખડસેની આગોતરા જામીનની અરજી અદાલતે નકારી
એકનાથ ખડસેને 21 અૉક્ટોબરે હાજર થવાનું કહેવાયું
ખડસે દંપતી પર મુશ્કેલી વધવાની વકી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા એકનાથ ખડસે ઉપર બૉમ્બે હૉસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. જોકે, તેમનાં પત્ની મંદાકિની ખડસેએ પુણેમાં ભોસરી ખાતે એમઆઈડીસી જમીનના પ્રકરણમાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે કરેલી અરજી નકારી કાઢી છે. મંદાકિની ખડસે વિરુદ્ધ મુંબઈની સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે. એકનાથ ખડસેના ધારાશાસ્ત્રીએ આજે અદાલતમાં તેઓ હૉસ્પિટલમાં હોવાની માહિતી આપી હતી. તેથી કોર્ટે તેમને હાજર રહેવા માટે વધુ સમય આવ્યો છે. એકનાથ ખડસેને હવે 21મી અૉક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
વિશેષ ન્યાયાધીશ એસ. એસ. સાતભાઈએ જણાવ્યું હતું કે આરોપી મંદાકિની ખડસેની વર્તણૂકની અમે નોંધ લીધી છે. તેઓ આજે ફરી ગેરહાજર છે. તેમણે સમન્સ પ્રત્યે અનાદર વ્યક્ત કર્યો છે. તેઓ હેતુપૂર્વક અદાલત સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યાં છે. તેમની ગેરહાજરી ઇરાદાપૂર્વકની છે. તેથી મંદાકિની ખડસે માટે બિનજામીનપાત્ર વૉરંટ બહાર પાડવામાં આવે. ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે એકનાથ ખડસે ઉપર ગત સાતમી અૉક્ટોબરે લેઝર હેમો હોડીક્ટોમીની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. તેથી તેમને આજના પૂરતી કોર્ટમાં ગેરહાજર રહેવાની પરવાનગી આપવામાં આવે છે. ખડસેએ આવતી 21મી અૉક્ટોબરે અદાલતમાં હાજરી આપવી એમ ન્યાયાધીશે ઉમેર્યું હતું.
એકનાથ ખડસેએ આ જમીન સોદા માટે પોતાના મહેસૂલ પ્રધાન તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના જમાઈ ગિરીશ ચૌધરી હાલ અદાલતી કસ્ટડીમાં છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust