રામદાસ કદમને શિવસેનાની દશેરાની રૅલી માટે આમંત્રણ નહીં અપાય

રામદાસ કદમને શિવસેનાની દશેરાની રૅલી માટે આમંત્રણ નહીં અપાય
વિધાન પરિષદ માટે ફરી ઉમેદવારી અંગે પણ પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન અનિલ પરબ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા માટેની જાણકારી તેમના જ શિવસેના પક્ષના નેતા રામદાસ કદમે પૂરી પાડવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં છે. તેના કારણે શિવસેના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નારાજ છે. તેથી રામદાસ કદમને આવતા શુક્રવારે યોજાનારી દશેરાની રૅલીમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં નહીં આવે એમ કહેવાય છે. ઉદ્ધવ ઠાકરેની નારાજગીના કારણે તેમને વિધાન પરિષદ માટે ફરી ઉમેદવારી નહીં અપાય એવી ચર્ચા છે.
કોરોનાના ઉપદ્રવને કારણે શિવસેનાની દશેરાની રૅલી આ વર્ષે શિવાજી પાર્કમાં નહીં પરંતુ કિંગ્સસર્કલ સ્થિત ષણ્મુખાનંદ હૉલમાં યોજાવાની છે.
અનિલ પરબ વિરુદ્ધ થયેલા કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એ બદલ રામદાસ કદમે તેમના સહયોગી સમક્ષ ખુશી વ્યક્ત કર્યાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તે ઓડિયો ક્લિપમાં રામદાસ કદમને બોલતા સાંભળવામાં આવ્યા હતા. તેઓ હવે ભાજપના નેતાઓ પ્રવીણ દરેકર અને કિરીટ સોમૈયાને મળવાની યોજના ઘડી રહ્યા છે.
જોકે રામદાસ કદમે આક્ષેપો નકારી કાઢતાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ મને ઉતારી પાડવા માટે આ પ્રકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મારી અને અનિલ પરબ વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust