મોનોરેલની ફ્રિક્વન્સી ભવિષ્યમાં પાંચ મિનિટની થશે

મોનોરેલની ફ્રિક્વન્સી ભવિષ્યમાં પાંચ મિનિટની થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ 10 નવી ટ્રેનોની વરદી આપતાં મોનોરેલના પ્રવાસીઓ વધુ ઝડપી અને આરામદાયક પ્રવાસની આશા રાખી શકે છે. આ દસ નવી રેક્સની ડિલિવરી જાન્યુઆરી 2023થી મળવાની શરૂ થશે.
હાલ મોનોરેલ સાત ટ્રેનો સાથે દોડી રહી છે જેમાંની બે ટ્રેનોને સહાયક ટ્રેનો તરીકે રાખવામાં આવી છે. હાલ મોનોરેલની ફ્રિક્વન્સી 20 મિનિટની છે.
એમએમઆરડીએએ તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે, ચેમ્બુરથી જેકબ સર્કલ વચ્ચે 20 કિલોમીટરના અંતર માટે ચાર કૉચ ધરાવતી 10 નવી ટ્રેનો ભારતીય કંપની મેઘા સર્વો ડ્રાઇવ્સ લિમિટેડ પૂરી પાડશે.
નવી દસ ટ્રેનો આવી ગયા બાદ મોનોરેલની હાલની જે 20 મિનિટની ફ્રિકવન્સી (બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો) છે તે ઘટીને પાંચ મિનિટ થઈ જશે.
આ ટ્રેનો કાફલામાં ઉમેરાતાં મુસાફરોની સંખ્યા અને આવક બંનેમાં વધારો થશે. જાન્યુઆરી 2024 સુધીમાં તમામ 10 ટ્રેનો મળી જશે.
એમએમઆરડીએએ જણાવ્યું હતું કે, નવી ટ્રેનો વિશાળ હશે અને તેમાં સુરક્ષાને લગતા વધુ સારા વિકલ્પો હશે. આ ટ્રેનોની ડિલિવરી કરતાં પહેલાં મેઘા સર્વો કંપની તેની ડિઝાઇન તૈયાર કરશે.
હાલ દોડતી મોનોરેલની પ્રત્યેક ટ્રેનનું વજન 13.5 ટનનું છે. નવી ટ્રેનના કૉચ વજનમાં હલકા હશે અને તે વધુ ઝડપી હશે.
હાલની ટ્રેનોની સરખામણીમાં આ નવી ટ્રેનોની જાળવણીનો ખર્ચ પણ ઓછો હશે. જાળવણી માટે નજીકના ભવિષ્યમાં તેના પૂર્જા આરામથી મળી રહેશે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust