મહારાષ્ટ્રમાં 4000 મેગાવૉટ વીજની ખેંચ : નીતિન રાઉત

મહારાષ્ટ્રમાં 4000 મેગાવૉટ વીજની ખેંચ : નીતિન રાઉત
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના ઊર્જાપ્રધાન નીતિન રાઉતે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે 3500થી 4000 મેગાવૉટ વીજની ખેંચ છે અને આ ખેંચ માટે તેમણે કેન્દ્ર સરકારની કોલ ઈન્ડિયા લિમિટેડની ગેરવ્યવસ્થા અને આયોજનના અભાવને જિમ્મેદાર ગણાવી હતી. 
કોલ ઇન્ડિયા મહારત્ન સરકારી કંપનીમાંની એક છે અને કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. નીતિન રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં કોલસાથી ચાલતા જે વીજ ઉત્પાદનન થર્મલ પાવર મથકો છે એને સમમયસર કોલસો પૂરો પાડવામાં કોલ ઇન્ડિયા નિષ્ફળ ગઈ છે અને એને કારણે મહારાષ્ટ્રમાં વીજની ખેંચ ઊભી થઈ છે. 
તેમણે કહ્યું હતું કે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને જેએસડબ્લ્યુ સાથે પણ રાજ્યની વીજ કંપનીઓના કરાર છે અને એ અનુસાર આ બન્ને કંપનીઓએ અનુક્રમે 760 મેગાવૉટ અને 240 મેગાવૉટ વીજ સપ્લાય કરવાની હોય છે. જોકે, આ બન્ને કંપનીઓએ મહારાષ્ટ્રને કરાર પ્રમાણે વીજ સપ્લાય કરવાનું અટકાવી દીધું છે. આને લીધે રાજ્યમાં 1000 મેગાવૉટ વીજની ખેંચ સર્જાઈ છે. આ બન્ને કંપની સાથે રાજ્યના લાંબા ગાળાના કરાર છે. તેમની પાસે વીજનો પુરતો સ્ટોક હોવાછતાં તેનો પુરવઠો કરાતો નથી. 
કયા થર્મલ પ્લાન્ટમા કોલસાનો જથ્થો કેટલો છે એના લેટેસ્ટ આંકડા અનુસાર સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી અૉથોરિટી 165 ગીગાવૉટ વીજનું ઉત્પાદન કરતા 135 થર્મલ પ્લાન્ટ્સમાંથી 70માં ચાર દિવસ માંડ ચાલે એટલો કોલસાનો સ્ટોક છે. 
કેન્દ્ર સરકારે કોલ ઇન્ડિયાને દુર્ગા પુજામાં કોલસાનું દિવસનું ઉત્પાદન 1.55થી 1.60 મેટ્રિક ટન કરવાની સૂચના આપી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે  20 અૉક્ટોબર પછી ઉત્પાદન 1.7 મેટ્રિક ટન કરવા પણ કહ્યું છે. 
કેન્દ્રના કોલસા મંત્રાલયે રવિવારે થર્મલ પાવર સ્ટેશનોને પૂરતો કોલસો મળશે એની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે વીજ પુરવઠામાં વિધ્ન પડશે એવો ભય સંપૂર્ણપણે અસ્થાને છે. 
જ્યાં કોલસાની ખાણો છે ત્યાં ભારે વરસાદને કારણે કોલસાના પરિવહનમાં બાધા પડી છે અને એને કારણે કોલસાની ખેંચ ઊભી થઈ છે, એમ અધિકારીઓનું કહેવું છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust