પંદર વર્ષથી છુપાયેલો પાકિસ્તાની આતંકવાદી દિલ્હીમાં પકડાયો

પંદર વર્ષથી છુપાયેલો પાકિસ્તાની આતંકવાદી દિલ્હીમાં પકડાયો
દિલ્હી, અજમેર, ગાઝિયાબાદ, જમ્મુમાં રહ્યો : નકલી ઓળખ પત્ર મેળવી શાદી પણ કરી
નવી દિલ્હી, તા.12 : આતંકી હુમલાના સતત ખતરા વચ્ચે દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતામાં 15 વર્ષથી ભારતમાં છૂપાયેલો એક પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી એકે-47, ગ્રેનેડ સહિત હથિયારો કબજે લીધા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે રાત્રે લક્ષ્મીનગર વિસ્તારમાં દરોડો પાડી રમેશ પાર્કથી મોહમ્મદ અશરફ ઉર્ફે અલીને પકડયો હતો.
તાલિમ પામેલો આ આતંકી પાકિસ્તાનના પંજાબના નરવાલનો રહેવાસી છે. દિલ્હીના શાત્રીનગરમાં  તે અલી અહમદ નૂરી નામ ધારણ કરી રહેતો હતો. નકલી દસ્તાવેજોની મદદથી તેણે ભારતીય ઓળખપત્ર મેળવી લીધુ હતુ. ચોંકાવનારી બાબત છે કે પાકિસ્તાની આતંકી છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલની જેમ કામ કરતો હતો. કાશ્મીર સહિત દેશમાં આતંકી ગતિવિધિઓમાં તે સંડોવાયો હતો. બાંગ્લાદેશના રસ્તે સીલીગુડીથી તેને ભારતમાં ઘૂસાડવામાં આવ્યાનો ખુલાસો થયો છે. તેની પાસે ભારતીય પાસપોર્ટ હતો અને સાઉદી અરબ સહિત તેણે બે વખત વિદેશ યાત્રા કરી હતી. ગાઝિયાબાદના વૈશાલીમાં તેણે લગ્ન કર્યા પછી પત્નીને તરછોડી હતી. હવાલા ચેનલથી તેને નાણાં મોકલવામાં આવતા હતા. તે અજમેર, ગાઝિયાબાદ, દિલ્હી અને જમ્મુમાં રહી ચૂકયો છે. પાક.એજન્સી આઈએસઆઈના હેન્ડલરે તેની ભરતી કરી હતી.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust