બાળકોનું રસીકરણ નજીકમાં કૉવૅક્સિનને મંજૂરીના અહેવાલ બાદ સરકારનો રદિયો

બાળકોનું રસીકરણ નજીકમાં કૉવૅક્સિનને મંજૂરીના અહેવાલ બાદ સરકારનો રદિયો
નવી દિલ્હી, તા.12 : બાળકો માટે કોરોના વેક્સિનની રાહ જોઈ રહેલા વાલીઓની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી શકે છે. મંગળવારે બાળકોની વેક્સિનને મંજૂરી આપવામાં આવ્યાના મીડિયા અહેવાલોને સરકારે રદિયો આપી મંજૂરી હજુ બાકી હોવાનું જાહેર કર્યું છે. જો કે પ્રવર્તમાન સ્થિતિ જોતાં ટૂંક સમયમાં ભારતમાં બાળકો માટેની કોરોના વેક્સિન બજારમાં આવી જશે. વેક્સિન સાથે જોડાયેલી સબ્જેકટ એકસપર્ટ કમિટીએ ર થી 18 વર્ષ સુધી આયુવર્ગમાં વેક્સિનની ભલામણ કરી છે. આ પહેલા મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો કે બે વર્ષથી 18 વર્ષ સુધીના ઉંમર વર્ગ માટે કોવાક્સિન વેક્સિનને ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે બાદમાં સરકારે આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવી કહ્યંy કે બાળકોની વેક્સિનને હજુ મંજૂરી આપવાની બાકી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો.ભારતી પવારે કહ્યું કે બાળકો માટે કોવાક્સિનનું આંકલન બાકી છે. કેટલીક આશંકાઓ છે, વેક્સિન અંગે નિષ્ણાંત સમિતિમાં વાતચીત થઈ રહી છે. ડીસીજીએ દ્વારા આ વેક્સિનને હજુ મંજૂરી આપવામાં આવી નથી.
નોંધનીય છે કે બાળકો માટે તૈયાર કરવામાં આવેલી કોવાક્સિન વેક્સિન લાંબા ટ્રાયલમાંથી પસાર થઈ છે. ભારત બાયોટેકે 18થી ઓછી ઉંમરના વર્ગ માટે ત્રણ તબક્કામાં ટ્રાયલ પૂર્ણ કર્યું છે. એવું કહેવાય છે કે આ વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. આ વેક્સિનને મંજૂરી બાદ વયસ્કોની જેમ જ બાળકોને રસીના બે ટીકા આપવામાં આવશે. અત્યાર સુધી કરાયેલા ટ્રાયલમાં વેક્સિનની બાળકો પર કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. વેક્સિન 78 ટકા કારગર નિવડયાનો દાવો કરાયો છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust