માનવ અધિકાર મુદ્દે વિપક્ષો દ્વારા ભેદભાવનું રાજકારણ : મોદી

માનવ અધિકાર મુદ્દે વિપક્ષો દ્વારા ભેદભાવનું રાજકારણ : મોદી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સ દ્વારા માનવાધિકાર કમિશનના 28મા  સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતા માનવ અધિકાર અંગે પોતાની પસંદગી (મરજી પ્રમાણે)ની વ્યાખ્યા અને દેશની છબિ ખરાબ કરવા માટે માનવાધિકારનો ઉપયોગ કરવા અંગે ચેતવણી આપી હતી. એ સાથે વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરમાં શીખો અને હિન્દુઓની હત્યા પર ચુપકીદી સેવનાર વિરોધ પક્ષો અને માનવાધિકાર માટે છાસવારે દેખાવો કરનારાઓને સપાટામાં લીધા હતા. વડા પ્રધાને કહ્યું કે એક જ પ્રકારની કોઈ ઘટનામાં અમુક લોકોને માનવાધિકારનું હનન થયું હોવાનું લાગે છે અને અન્ય ઘટનામાં તેમને માનવાધિકારનું હનન દેખાતું નથી. વડા પ્રધાનની આ વાતને થોડા દિવસ અગાઉ કાશ્મીરમાં આતંકવાદીઓએ હિન્દુઓ અને શીખોને ઓળખ કરીને મોતને ઘાટ ઉતારાયા એની સાથે જોડવામાં આવી રહી છે.
મોદીએ કહ્યું કે તાજેતરમાં અમુક લોકોએ સ્વાર્થ મુજબ માનવ અધિકારીની વ્યાખ્યા કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે ઉલ્લંઘનને ચોક્કસ નજરે જોવાની પ્રવૃત્તિએ માનવાધિકારને ઘણું નુકસાન પહોંચાડયું છે. તેમણે એમ પણ કહ્યું કે માનવાધિકારનું સૌથી વધુ ઉલ્લંઘન ત્યારે થાય છે જ્યારે એને રાજકીય લાભાલાભની દૃષ્ટિએ જોવામાં આવે છે. આ પ્રકારની પસંદગી લોકતંત્ર માટે પણ નુકસાનકારક હોવાની ચેતવણી વડા પ્રધાને આપી હતી.
વડા પ્રધાને કહ્યું કે, એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે માનવાધિકાર માત્ર અધિકારોથી જોડાયેલું નથી પણ આ આપણા કર્તવ્યનો પણ વિષય છે. અધિકાર અને કર્તવ્ય એ બે પાટા છે જેના પર માનવ વિકાસ અને માનવ ગરિમાની યાત્રા થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કર્તવ્ય પણ અધિકારની જેમ જ મહત્ત્વપૂર્ણ છે અને એ અંગે અલગથી ચર્ચા ન થાય કારણ એ બંને એકબીજાના પૂરક છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust