કાશ્મીરમાં 24 કલાકમાં સાત આતંકવાદી ઠાર

કાશ્મીરમાં 24 કલાકમાં સાત આતંકવાદી ઠાર
એનઆઈએનાં ત્રીસ ઠેકાણે દરોડા : ભાંગફોડિયાઓના મદદગારો પર ઘોંસ
શ્રીનગર, તા.12 : જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી કરાયેલા એક પછી એક આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી ઓપરેશન વધુ ઝડપી બનાવી છેલ્લા 36 કલાકમાં પ એન્કાઉન્ટરમાં 7 આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીરમાં આતંકવાદ અને આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વિવિધ અથડામણમાં 7 આતંકીઓને ઢાળી દેવાયા છે તો સામાપક્ષે પૂંછમાં આતંકીઓએ કરેલા હુમલામાં પ જવાનોએ શહાદત વહોરી છે. પોલીસે દાવો કર્યો છે કે બે ટાર્ગેટ હત્યાનો ભેદ ઉકેલાયો છે. શોપિયાંના તુલરનમાં ત્રણ આતંકીઓના એન્કાઉન્ટર બાદ ફેરીપોરામાં એન્કાઉન્ટરમાં ર આતંકી ઠાર થયા હતા. 36 કલાકમાં આ ચોથું અને પાંચમું એન્કાઉન્ટર હતું. આ પહેલા 11મીએ ત્રણ એન્કાઉન્ટર કરાયા હતા. એક અથડામણ બાંદીપોરામાં થઈ હતી. અનંતનાગમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. મૃત આતંકીઓ પાસેથી હથિયારો અને ગ્રેનેડ મળી આવ્યા હતા. કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશનમાં એનઆઈએ (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને આઈબી (ઈન્ટેલીજન્સ બ્યૂરો) જોડાઈ છે અને ઠેર ઠેર દરોડા પાડયા છે. 3 દિવસમાં 30થી વધુ દરોડામાં બે ટીઆરએફ આતંકીઓને ઝડપી લીધા હતા. આતંકીઓના મદદગારોને શોધવામાં આવી રહ્યા છે. 16 સ્થળે તપાસ ચાલુ છે. સેંકડો લોકોની પૂછપરછ કરાઈ છે અને અનેકની અટકાયત કરવામાં આવી છે.
Published on: Wed, 13 Oct 2021

© 2022 Saurashtra Trust