ફાઈનલમાં કોલકાતાને 27 રને હરાવી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ

ફાઈનલમાં કોલકાતાને 27 રને હરાવી આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ
દુબઇ, તા.15:  આઈપીએલની ફાઈનલ મૅચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રને હરાવીને ચેન્નઈની ટીમ સુપર કિંગ્સ બની હતી. પહેલા દાવમાં ધોનીની ધૂરંધર ચેન્નઈની ટીમે 20 અૉવરમાં ત્રણ વિકેટે 192 રનનો પહાડ ખડકી દીધો હતો. બીજો દાવ રમવા મેદાને પડી કોલકાતાની ટીમ 20 અૉવરમાં નવ વિકેટે 165 રન જ કરી શકી હતી.
કોલકાતા તરફથી માત્ર અૉપનિંગ જોડી શુભમન ગિલ અને વેંકટેશ ઐયરે 50-50?રન કર્યા હતા. બાકીના બૅટ્સમૅનો વીસથી વધુ રન કરી શક્યા નહોતા.
કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલ-2021ના ફાઇનલમાં અનુભવના આધારે શાનદાર બેટિંગ કરીને કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ 20 ઓવરમાં 3 વિકેટે 192 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. આથી કેકેઆરને ત્રીજીવાર આઇપીએલ ચેમ્પિયન થવા માટે 193 રનનું કઠિન વિજય લક્ષ્યાંક મળ્યું હતું. સીએસકે તરફથી ફાક ડૂ પ્લેસિસે એન્કર રોલ ભજવીને આખરી દડે આઉટ થતાં પહેલા પ9 દડામાં 86 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ફાઇનલ મેચમાં કેકેઆરની બોલિંગ અને ફિલ્ડીંગ દબાણમાં જોવા મળી હતી.
કોલકતાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને ચેન્નાઇને દાવ આપવાનો જુગાર ખેલ્યો હતો. જે ખોટો પુરવાર થયો હતો. કારણ કે ચેન્નાઇ તરફથી યુવા ઋતુરાજ ગાયકવાડ અને અનુભવી ફાક ડૂ પ્લેસિસે શરૂઆતથી જ કેકેઆરના બોલરો સામે હલ્લાબોલ કર્યું હતું. જો કે ગાયકવાડ સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ કરીને નારાયણના દડામાં 32 રને આઉટ થયો હતો. તેણે 27 દડાની ઇનિંગમાં 3 ચોક્કા-1 છક્કો ફટકાર્યોં હતો. તેના અને પ્લેસિસ વચ્ચે 50 દડામાં 61 રનની પહેલી વિકેટમાં ભાગીદારી થઇ હતી. 
ગાયકવાડના આઉટ થયા બાદ રોબિન ઉથપ્પાએ માત્ર 15 દડામાં 3 છક્કાથી 31 રનની આતશી ઇનિંગ રમીને ચેન્નાઇની રન રફતાર વધુ તેજ કરી દીધો હતો. તે પણ નારાયણની બોલિંગમાં આઉટ થયો હતો. ઉથપ્પા અને પ્લેસિસ વચ્ચે બીજી વિકેટમાં માત્ર 32 દડામાં 62 રનની ધૂંઆધાર ભાગીદારી થઇ હતી.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer