સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ગાબડાં

સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ગાબડાં
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસની ભરપૂર આવક થવા લાગતા મિલો ધમધમવા લાગી 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 15 : મગફળીની સીઝન હવે પૂરબહારમાં શરુ થઇ ગઇ છે અને બીજી તરફ સરકારે આયાતી તેલોની જકાતમાં ધરખમ ઘટાડો કરતા ઘરઆંગણે ભાવ સડસડાટ ઘટવા લાગ્યા છે.  ચાલુ અઠવાડિયામાં સીંગતેલના ભાવમાં ડબે રુ.75, કપાસિયા તેલમાં  રુ.70 અને પામતેલમાં  રુ. 105નો કડાકો બોલી ગયો છે.  
સરકારે ચાલુ સપ્તાહમાં પામતેલ અને સૂર્યમુખી તેલ પરની સેસ અને જકાતમાં મોટો ઘટાડો કર્યો છે. સ્થાનિક બજારમાં તેલિબિયાંની સીઝન હજુ તો શરું થઇ છે ત્યાં સરકારે જકાત ઘટાડવાનું પગલું ભરતા ખેડૂતોમાં નારાજગી છે. બીજી તરફ ગ્રાહકોને રાહત થઇ છે. આખી સીઝન સટ્ટાકિય પકડને લીધે નહીં ઘટેલા ભાવ હવે ઘટવા લાગ્યા છે. સરકારે ગયા સપ્તાહના અંતે ખાદ્યતેલોના સંગ્રહ પર સ્ટોક મર્યાદા લાગુ કરી હતી અને એ પછી ડ્યૂટીમાં ઘટાડો આવ્યો છે. એ કારણે ભાવ હવે ઝડપભેર ઘટશે. 
સીંગતેલનો ડબો ચાલુ સપ્તાહના રુ. 75ના ઘટાડા સાથએ રુ. 2450-2500, કપાસિયા તેલનો ડબો રુ. 70 ઘટીને રુ. 2330-2370, પામતેલનો ડબો રુ. 105 ઘટીને રુ. 1925-1930ની સપાટીએ પહોંચી ગયો છે.  
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક દૈનિક સવાથી દોઢ લાખ ગુણી સુધી પહોંચી ગઇ છે. હવે પીલાણ થઇ શકે તેવી ગુણવતા આવવા લાગી છે. દશેરાના દિવસથી તેલ મિલોએ પીલાણનો પણ આરંભ કરી દીધો હતો. હવે ધીરે ધીરે વધુ મિલો ચાલુ થવાની છે. કપાસની પણ બે લાખ મણની આવક થવા લાગતા હવે કપાસિયાનો જથ્થો પણ બજારમાં આવતા કપાસિયા તેલ બનાવતી મિલો પણ શરું થઇ ગઇ છે. આમ બન્ને તેલોની તેજીના હવે વળતા પાણી છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer