મુંબઈની કાપડ મિલોની જેમ મહારાષ્ટ્રનો ખાંડ ઉદ્યોગ પણ નામશેષ થઈ જશે : શરદ પવાર

મુંબઈની કાપડ મિલોની જેમ મહારાષ્ટ્રનો ખાંડ ઉદ્યોગ પણ નામશેષ થઈ જશે : શરદ પવાર
મુંબઈ, તા. 15 : ખેડૂતોને શેરડીની પૂરેપૂરી કિંમત એકસાથે ચૂકવી દેવાની માગણી જોર પકડતી જાય છે. તેવામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવારે ચેતવણી આપી છે કે વધુપડતી માગણીઓથી મિલો મુશ્કેલીમાં મુકાશે અને મુંબઈની કાપડ મિલોની જેમ દેશનો ખાંડ ઉદ્યોગ પણ નામશેષ થઈ જશે.
મહારાષ્ટ્રના ખેડૂતોએ શેરડીના ન્યાયી અને વળદારદાયી ભાવ એકસાથે જ ચૂકવી દેવાની માગણી કરી છે અને તે ન સ્વીકારાય તો આંદોલનની ધમકી આપી છે. આ સંદર્ભમાં પવારે અત્રે પત્રકારોને યાદ કરાવ્યું કે 1982માં મુંબઈમાં કાપડ મિલના કામદારોએ લાંબી હડતાળ પાડી ત્યાર પછી ઘણી મિલો બંધ પડી ગઈ હતી અને બાકીની મુંબઈ બહાર ખસેડી લેવાઈ હતી.
`એક કાળે મુંબઈ દેશના કાપડ ઉદ્યોગનું મથક હતું. અમારા એક સાથીએ વધુપડતી માગણીઓ સ્વીકારવાનો આગ્રહ રાખ્યો અને તેને પગલે મિલો બંધ થઈ ગઈ. અમે આ નેતાઓને સૂચન કર્યું હતું કે ઝાઝું ખેંચશો નહીં, પણ એમણે ઘણું ખેંચ્યું. પરિણામે મુંબઈની અને મહારાષ્ટ્રની મોટા ભાગની મિલો બંધ થઈ ગઈ,' એમ પવારે જણાવ્યું હતું.
`આ વર્ષે 175 ખાંડ મિલો પીલાણ શરૂ કરવાની છે, જે સાડા ત્રણ મહિના ચાલશે. બધી જ મિલો એકસાથે ખાંડ બનાવશે અને મિલો એકસાથે પોતાની બધી ખાંડ બજારમાં વેચવા લાવે તો ખાંડના ભાવ જમીનદોસ્ત થઈ જાય. બજારમાં કોઈ લેવાલ જ ન હોય. સરવાળે ખેડૂતોને નુકસાન થશે. ખેડૂત નેતાઓને મારી વિનંતી છે કે તેઓ ખાંડ મિલોનું અર્થશાસ્ત્ર સમજે', એમ પવારે જણાવ્યું હતું.
`િમલો ખેડૂતોને એકસાથે બધા નાણાં ચૂકવી શકે તેમ નથી, છતાં તેઓ ચૂકવવાનું નક્કી કરે તો તેમણે લોન લઈને વ્યાજ ચૂકવવું પડશે. એ પૈસા ખેડૂતોના જ હશે. મિલો મુશ્કેલીમાં આવી પડે તો નવાઈ નહીં. ખેડૂત નેતાઓએ આવું ન કરવું જોઈએ,' એમ પવારે કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં ખાંડ મિલો ખેડૂતોને શેરડી પીલાણ માટે લાવે ત્યારે 50 ટકા જ નાણાં આપે છે. બીજા 30 ટકા મહિના પછી અને બાકીના 20 ટકા ખાંડ વેચાય ત્યારે ચૂકવાય છે. મહારાષ્ટ્રની મિલો પણ વર્ષો સુધી એમ જ કરતી હતી, પણ હમણાંથી એક હપ્તે ચુકવણી માટેની માગણીઓ શરૂ થઈ છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer