નવરાત્રિના માત્ર સાત દિવસમાં શહેરમાં 2.5 હજાર ઘર વેચાયાં

મુંબઈ, તા. 15 : સાત અૉક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિના માત્ર સાત દિવસોમાં જ શહેરમાં મિલકતોની નોંધણી (રજિસ્ટ્રેશન)માં ઉછાળો આવ્યો હતે અને 2.5 હજાર ઘરનું વેચાણ થયું હતું. ગ્લોબલ પ્રોપર્ટી કન્સલટન્ટ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના જણાવ્યા મુજબ, નવરાત્રિ તહેવારના સાત દિવસ દરમિયાન 2494 ઘરનું રજિસ્ટ્રેશન થયું હતું અથવા તો દરરોજ સરેરાશ 356 ઘર વેચાયાં હતાં.
અગાઉના અૉગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં દૈનિક રજિસ્ટ્રેશન દર અનુક્રમે 219 અને 260 ઘરનો રહ્યો હતો. દૈનિક વેચાણ દર અૉગસ્ટ કરતાં 63 ટકા વધુ અને સપ્ટેમ્બર કરતાં 37 ટકા વધુ રહ્યો હતો. સ્ટેમ્પ ડયૂટી દ્વારા સાત અૉક્ટોબરથી 13 અૉક્ટોબર સુધીની આવક રૂપિયા 169 કરોડની રહી હતી. 7 અૉક્ટોબરથી નવરાત્રિની સાથે શરૂ થયેલી તહેવારોની આ સિઝન રિયલ એસ્ટેટ માર્કેટ માટે ઉત્સાહપ્રેરક રહી હતી. નીચા વ્યાજ દરો સાથે ગ્રાહકોમાં ઘરના માલિક બનવાની વધી રહેલી ઇચ્છાને કારણે આ તહેવારો પ્રોપર્ટી માર્કેટ માટે સારા દિવસો લાવશે. આ વેચાણોથી સરકારની દૈનિક આવક રૂપિયા 24 કરોડની રહી હતી.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer