જેઇઇ એડવાન્સ્ડનું પરિણામ જાહેર, ટોપ-100માં ગુજરાતના 10 વિદ્યાર્થી

અમદાવાદનો નમન સોની દેશમાં છઠ્ઠા ક્રમે 
અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ 3 ઓક્ટોબરના રોજ લેવાયેલી જેઇઇ એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કર્યુ છે. જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ છે. ગુજરાતના નમન સોની (6ઠ્ઠા ક્રમે), અનંત કિદામ્બી (13મા ક્રમે), પરમ શાહ (52મા ક્રમે), લિસન કડીવાર (57મા ક્રમે), પાર્થ પટેલ (72મા ક્રમે) અને રાઘવ અજમેરા (93મા ક્રમે) ટોપ 100માં સ્થાન પામ્યા છે. 
મહત્વનું છે કે, દેશની ખ્યાતનામ આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ ની પરીક્ષા લેવામાં આવે છે. જેઇઇ એડવાન્સ્ડ 2021 ને ક્વોલિફાય કરવા માટે, ઉમેદવારોએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ત્રણમાંથી દરેક વિષયમાં ઓછામાં ઓછા 10 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જે ઉમેદવારોએ  પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને સરળતાથી તેમનું પરિણામ ચકાસી શકે છે.  
અમદાવાદના નમન સોની નામના વિદ્યાર્થીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. વિદ્યાર્થી નમન સોનીએ ટોપ-50 સુધીમાં રેન્ક આવવાની ગણતરી કરી હતી અને તેની છઠ્ઠી રેન્ક આવી છે. ત્યારે હવે આઇઆઇટી મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની તેની ઈચ્છા છે. જ્યારે આ જેઇઇની એકઝામમાં 57મો રૅન્ક મેળવનાર લિસનના પિતા ચાની કીટલી ધરાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસન ના પરિણામથી પરિવારમાં ખુશી છવાઇ છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer