કાશ્મીરમાં આતંકવાદીઓએ 200 બિનમુસ્લિમ નાગરિકનું હિટલિસ્ટ તૈયાર કર્યું : સુરક્ષા દળો સજ્જ

નવી દિલ્હી, તા.15 : જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં કરાયેલા આતંકી હુમલા યોગાનુયોગ નહીં પરંતુ પાકિસ્તાને ઘડેલું એક સુનિયોજીત ષડયંત્ર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાની એજન્સી આઈએસઆઈએ આતંકી સંગઠનો સાથે મળીને કાશ્મીરમાં હુમલાની યોજના ઘડી છે. આગામી દિવસોમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર હુમલા વધે તેવી આશંકા છે. આઈએસઆઈના અધિકારીઓએ પીઓકે સ્થિત આતંકી સંગઠનોના આકાઓને મળી કાશ્મીરમાં હુમલાની યોજના ઘડયાનું ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં સામે આવ્યુ છે. આઈએસઆઈએ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમોને નિશાન બનાવવા આદેશ આપ્યો છે.
 રિપોર્ટ અનુસાર આતંકીઓની આ બેઠક ર1 સપ્ટે.યોજાઈ હતી. આ ગુપ્ત બેઠકમાં કાશ્મીરમાં આતંકીઓને ઘૂસાડવા અને ટાર્ગેટ કિલિંગનું આયોજન ઘડાયું હતું. એલર્ટ મુજબ કાશ્મીરમાં ર00 લોકોનું હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. આતંકીઓનો ઈરાદો કાશ્મીરનો માહોલ બગાડવાનો અને ભય ફેલાવવાનો છે. આતંકીઓના સંભવિત ટાર્ગેટમાં લશ્કરી દળો, બાતમીદારો, પંડિતો, બિન મુસ્લિમ અને બિન કાશ્મીરીઓ તથા ભાજપ-આરએસએસ સાથે સંકળાયેલા લોકો છે. જે કાશ્મીરી પંડિતો પુન:સ્થાપન માટે સક્રિય થયા છે તેઓના નામ હિટલિસ્ટમાં હોવાનું કથિત રીતે સામે આવ્યું છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer