ગુજરાતમાં દશેરાના નવાં વાહનોની ખરીદી કરવા ઊમટી પડયા લોકો

ગુજરાતમાં દશેરાના નવાં વાહનોની ખરીદી કરવા ઊમટી પડયા લોકો
કોરોના પહેલાં જેવી સ્થિતિ જોવા મળી : બુકિંગમાં 15 ટકાનો વધારો
અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) :  દશેરા પર્વે પર સારું મુહૂર્ત હોવાના કારણે દર વર્ષે લોકો ખૂબ વાહન અને અન્ય વસ્તુઓ ખરીદતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. દશેરાના કારણે વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ બુકીંગ કરાવીને વિજયાદશમીના શુભ દિવસે વાહનોની ડિલેવરી લઈને ગાડીઓ છોડાવી હતી.
અહીં નોંધવું ઘટે કે, આજના દિવસે લોકો પોતાના જૂના વાહનોની પૂજા પણ કરતા હોય છે તેમજ નવા વાહનોની ખરીદી પણ આ તહેવારમાં કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે દશેરાના દિવસે ફોર વ્હીલ અને ટુ-વ્હીલરના બાકિંગમાં 15 ટકા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે. લોકો બૂક કરાવેલા વાહન લેવા માટે ઉમટી પડ્યા હતા. અમદાવાદના શો રૂમોમાં ભારે ભીડ જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન થઇ ગયા છતાં ગાડીઓના વેચાણમાં કોઇ ફરક પડયો નથી. ઉલ્ટાનું કારના વેચાણમાં ઉછાળો આવ્યો છે.
ઓટોમોબાઇલ સેક્ટર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જે પ્રકારે દશેરાના બાકિંગ આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં હજુ ડિમાન્ડ વધશે. ઈલેક્ટ્રિક કારનું વેચાણ ગત વર્ષે 1 ટકા જેટલું હતું જે આ વર્ષે વધીને 3 ટકા સુધીનું થયું છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં હજુ ડિમાન્ડ વધી શકે છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer