છત્તીસગઢમાં બેફામ વાહને દુર્ગાપૂજાનાં સરઘસના લોકોને કચડયા : એકનું મોત

છત્તીસગઢમાં બેફામ વાહને દુર્ગાપૂજાનાં સરઘસના લોકોને કચડયા : એકનું મોત
ક્રોધિત ટોળાંએ ગાડીને આગ ચાપી
રાયપુર, તા. 15 : ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાનોને ગાડીથી કચડવાની ઘટના તાજી જ છે ત્યારે છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં દુર્ગાપૂજા વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓ વચ્ચે ઝડપથી જતી કાર ઘૂસી જતાં ભારે નાસભાગ મચી હતી. કારની ટક્કરથી એકનું મોત થયું હતું જ્યારે 12થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યુ હતું. ઘટનામાં સામેલ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. લોકોએ બાદમાં ગાડીને ફૂંકી મારી હતી. જાણકારી અનુસાર કારની ચપેટમાં આવેલો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન માટેના સરઘસનો હિસ્સો હતા. ઘાયલોને પત્થલગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાર મહિન્દ્રા જાઈલો પર મધ્યપ્રદેશની નંબર પ્લેટ હતી અને તે લોકોને કચડી સુફરપારા તરફ ભાગી નીકળી હતી. જોકે ગુસ્સે ભરાયેલા લોકો ગાડીની પાછળ દોડયા હતા. અમુક અંતર પછી ગાડી મળી આવી હતી જેમાં ગાંજો ભરેલો મળ્યો હતો. ચાલક તરફનો દરવાજો ખુલ્લો હતો. 

Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer