શૅરબજારમાં વાયદા ટ્રેડિંગ માટે 50 ટકા કૅશ માર્જિનનો નિર્ણય મુલતવી રહ્યો

શૅરબજારમાં વાયદા ટ્રેડિંગ માટે 50 ટકા કૅશ માર્જિનનો નિર્ણય મુલતવી રહ્યો
મુંબઈ, તા. 24 : માર્કેટ નિયામક સિક્યુરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ ફ્યુચર ઍન્ડ અૉપ્શન (એફ ઍન્ડ ઓ) ટ્રેડિંગ માટે ફરજિયાત 50 ટકા કૅશ માર્જિન લાગુ કરવાના પોતાના નિર્ણયને 28 ફેબ્રુઆરી 2022 સુધી મુલતવી રાખ્યો છે. આ નિર્ણયનો અમલ અગાઉ 1 ડિસેમ્બર 2021થી કરવાનું નક્કી થયું હતું.
બ્રોકરોએ સેબીના નિર્ણયને આવકારતાં કહ્યું છે કે હવે બજારનું સેન્ટિમેન્ટ સુધરશે. આ નિયમ ઘણો કઠોર હોવાથી સંખ્યાબંધ રિટેલ અથવા નાના રોકાણકારોએ વાયદાના સોદાને મર્યાદિત કરવાની તૈયારી કરી લીધી હતી.
ક્લિઅરિંગ મેમ્બરર્સ (સીએમ)ને તેમના ગ્રાહકો વતી શૅરબજારોને ગેરેન્ટી ટ્રેડ સેટલમેન્ટ માટે 50 ટકા કૅશ માર્જિન રાખવાનું જણાવ્યું છે.
સેબીએ આ નિર્ણય જાહેર કર્યો તે પછી તરત જ બ્રોકરોએ વાયદા માટે ટ્રેડરો પાસેથી 50 ટકા કૅશ માર્જિન વસૂલવાની શરૂઆત કરી દીધી હતી. કૅશ માર્જિનના નિર્ણયના પગલે પોતાના ઉપરનું જોખમ ઘટાડવા માટે બ્રોકરોના શીરે વધારાની રોકડ વસૂલવાનું દબાણ આવી ગયું હતું.
જોકે, આ નિર્ણયનો અમલ હવે 28 ફેબ્રુઆરી 2022 સુધી ઠેલાતાં ટૂંકા ગાળામાં શૅરબજારમાં નાના રોકાણકારો વાયદામાં ટ્રેડિંગ કરવા માટે આગળ આવશે, એમ સમીક્ષકોનું માનવું છે.
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust