કાંદાના ભાવ ફરી વધવા શરૂ થયા

કાંદાના ભાવ ફરી વધવા શરૂ થયા
માવઠાએ દક્ષિણથી આવતો માલનો પુરવઠો ખોરવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કોરોનાની અસર ધીમે ધીમે ઘટી રહી હોવાથી લગનસરાની મોસમ વચ્ચે હોટેલ અને રેસ્ટોરાં પૂર્ણ ક્ષમતાએ શરૂ થયાં છે ત્યારે દક્ષિણ ભારતનાં વિવિધ રાજ્યોમાં કમોસમી ભારે વરસાદથી કાંદાના પાકને મોટું નુકસાન થતાં સ્થાનિક બજારોમાં ભાવમાં વધારો થયો છે.
દક્ષિણના રાજ્યોમાં કાંદાના નવા પાકનો પુરવઠો ઘટવાથી સ્થાનિક હોલસેલ બજારમાં ભાવ કિલો દીઠ રૂા. બેથી ચારનો વધારો થયો છે અને છૂટક બજારોમાં કિલો દીઠ ભાવમાં સાતથી આઠ રૂપિયાનો વધારો થવાની શક્યતા માર્કેટ સૂત્રોએ વ્યક્ત કરી છે.
તાજેતરમાં નાશિક તથા દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ થવાથી કાંદાના પાકને ઘણું નુકસાન થયું છે.
દક્ષિણ ભારતમાં અતિશય ભારે વરસાદ થવાથી જમીનમાં રહેલો કાંદાનો પાક ખરાબ થઈ ગયો છે. ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું છે.
દક્ષિણ ભારતનાં રાજ્યો કર્ણાટક, તેલંગણા અને તામિલનાડુથી નાશિકમાં રોજની 700-800 ટ્રેક્ટરની (પ્રત્યેક ટ્રેક્ટર બેથી ત્રણ ટનના) આવક ઘટીને 250/275 ટ્રેક્ટરની થઈ રહી છે.
અત્યારે કોરોનાનો ભય દૂર થયો છે. હોટેલ-રેસ્ટોરાં સંપૂર્ણ ક્ષમતાએ ધમધમી રહ્યાં છે. તેમ જ લગ્નની સિઝન હોવાથી માગ સારી છે. આવકો ઘટતાં કાંદાનો કિલોએ જથ્થાબંધ ભાવ રૂા. બેથી ચાર જેવો વધી ગયો અને હજી પણ વધી શકે છે એમ નાશિક સ્થિત કાંદાના નિકાસકારનું કહેવું છે. કાંદાના પાકના નુકસાનનો અંદાજ આવતાં હજી સાત-આઠ દિવસનો સમય લાગી શકે છે.
દક્ષિણ ભારતના કાંદાનો માલ નાશ પામ્યો હોવાથી નાશિકના કાંદામાં વેપારીઓ પાસે માગ ખૂબ નીકળી છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer