ડિસેમ્બરમાં કોરોનાની હળવી અસર ધરાવતી ત્રીજી લહેર આવશે : ટોપે

મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવશે, પરંતુ તેની અસર હળવી હશે.
એક ન્યૂઝ ચૅનલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં મેડિકલ અૉક્સિજન અને આઈસીયુની જરૂર પડશે નહીં.
ત્રીજી લહેર હળવી હશે અને મેડિકલ અૉક્સિજન અને આઈસીયુ પથારીઓની જરૂર પડશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
હાલની કોવિડ-19ની સ્થિતિ વિશે બોલતા ટોપેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 80 ટકા લોકોને વૅક્સિન લાગી ગઈ છે અને હાલ ચૅપ લાગવાનું અને મરણનું પ્રમાણ ઓછું છે.
મંગળવારની સાંજ સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં કોવિડના 766 કેસ સામે આવ્યા હતા અને 19નાં મૃત્યુ થયાં હતાં. સતત ત્રીજા દિવસે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 10 હજારથી ઓછી રહી હતી. મહારાષ્ટ્રમાં મંગળવાર સુધીમાં કુલ કેસની સંખ્યા 66,31,297 રહી હતી.
ટોપેએ જણાવ્યું હતું કે તેઓ ગયા સપ્તાહે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મળ્યા હતા અને આરોગ્ય કર્મચારીઓ તેમ જ અગ્રીમ હરોળના કાર્યકરોને બુસ્ટર ડૉઝ આપવાની મંજૂરી માગી હતી. આ ઉપરાંત 12થી 18 વર્ષના વય જૂથના લોકોને કોરોના સામે રસી આપવાની માગણી કરી હતી. માંડવિયાએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે આઈસીએમઆર સાથે ચર્ચા કરશે અને પછી જણાવશે, એમ ટોપેએ વધુમાં ઉમેર્યું હતું.
એમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર પ્રથમ અને બીજી લહેર જેવી ઘાતક નહીં હોય. વૅક્સિન હજી પણ આ વાયરસ સામે રક્ષણ આપે છે અને બુસ્ટર ડૉઝની હાલ જરૂર નથી. નિષ્ણાતો પણ જણાવે છે કે ત્રીજી લહેર બીજી લહેર જેવી ઘાતક નહીં હોય. જોકે, કેસ વધી શકે છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer