ભવિષ્યમાં ખતમ થઈ જશે ક્રિપ્ટોકરન્સી : રઘુરામ રાજન

ભવિષ્યમાં ખતમ થઈ જશે ક્રિપ્ટોકરન્સી : રઘુરામ રાજન
નવી દિલ્હી, તા.24 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે દુનિયામાં અત્યારે ભલે ક્રિપ્ટોકરન્સીનું બજાર ગરમ હોય, પરંતુ ટૂંક સમયમાં જ વર્તમાન ડિજિટલ મુદ્રાઓ પૈકીની મોટાભાગની ખતમ થઈ જવાની છે. તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી છે કે જ્યારે કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગેનો એક ખરડો લાવવાની તૈયારી કરી રહી છે અને બીજીતરફ ડિજિટલ કરન્સીમાં લોકોનો રસ વધી રહ્યો છે. વર્તમાનમાં દુનિયામાં આશરે સાત હજાર ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે જેમાંથી બિટકોઈન, ઈથેરિયમ અને ટેથર લોકપ્રિય છે. રાજને એક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં માત્ર એક કે બે ડિજિટલ મુદ્રા જ ચલણમાં રહી જશે. લોકો વચ્ચે ક્રિપ્ટોકરન્સી અંગે વધી રહેલા રસ વચ્ચે રાજને કહ્યું કે ક્રિપ્ટોકરન્સીમાં પણ ચિટ ફંડ જેવી જ સમસ્યાઓ થઈ શકે છે. ચિટ ફંડ લોકો પાસેથી રૂપિયા લે છે અને જોતજોતામાં ધરાશાયી થાય છે અને રોકાણકારો હાથ ઘસતા રહી જાય છે. આવનારા સમયમાં પણ ક્રિપ્ટોસંપત્તિ ધરાવનારા અનેક લોકો પીડિત થવા જઈ રહ્યા છે. 
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust