કોરોનાનો સાચો મૃત્યુઆંક અને પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. ચાર લાખની સહાય આપો

કોરોનાનો સાચો મૃત્યુઆંક અને પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. ચાર લાખની સહાય આપો
મોદી સરકાર સમક્ષ રાહુલ ગાંધીની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 24 : કોરોનાથી કેટલા દેશવાસીઓનાં મૃત્યુ થયાં એના સાચા આંકડા જાહેર કરીને મહામારીના પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે એવી માગણી કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ કરી છે. ગાંધીએ આજે આ સંબંધી એક વિડિયો ક્લિપ જાહેર કરી હતી જેમાં ગુજરાતના એક પરિવારે કોરોનામાં પોતાના સ્વજનનું મૃત્યુ થયા બાદ સરકારે કોઈ મદદ ન કરી હોવાનો દાવો કર્યો છે.
આ વિડિયો ક્લિપ સાથેના ટ્વીટમાં ગાંધીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસની મોદી સરકાર સમક્ષ બે માગણી છે- કોરોનાથી મૃત્યુ પામેલાઓના સાચા આંકડા જાહેર કરવામાં આવે અને પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આવું કરવાથી દુ:ખી પરિવારોને રાહત અને આશ્વાસન મળશે.
કૉંગ્રેસના `ન્યાય અભિયાન' અંતર્ગત 4.31 મિનિટના વિડિયોમાં ગાંધીએ એવી ટીકા પણ કરી હતી કે, દેશમાં ગુજરાત મોડેલની ચોમેર ચર્ચા છે પરંતુ ત્યાંના કોવિડ પ્રભાવિત પરિવારોને સરકાર તરફથી હૉસ્પિટલમાં પથારી કે સારવાર અને વૅન્ટિલેટર જેવી કોઈ જ સુવિધાઓ મળતી નથી. આવા પરિવારોને મદદની જરૂર હતી ત્યારે સરકાર તો ક્યાંય દેખાતી જ નહોતી. કોરોનાથી બચાવવા આવા પરિવારોએ સારવાર માટે 10 કે 15 લાખ રૂપિયાનો ખર્ચ ર્ક્યો ઉપરાંત પોતાના સ્વજનને પણ ગુમાવ્યા. હવે જ્યારે તેમને આર્થિક મદદની જરૂર છે ત્યારે પણ સરકાર તેમને આશ્વાસન કે સાંત્વના આપવા પણ તૈયાર નથી. આ કેવી મોડેલ સરકાર છે?
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી માત્ર દસ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં જ ત્રણ લાખ લોકો કોરોનાનો ભોગ બન્યા છે, એવો દાવો પણ ગાંધીએ ર્ક્યો હતો.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer