માલેગાંવ બ્લાસ્ટ કેસ : આરોપી પ્રજ્ઞા ઠાકુર ખાસ અદાલત સમક્ષ હાજર થયાં

માલેગાંવ બ્લાસ્ટ કેસ : આરોપી પ્રજ્ઞા ઠાકુર ખાસ અદાલત સમક્ષ હાજર થયાં
મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : 2008ના માલેગાંવ બૉમ્બબ્લાસ્ટ કેસના આરોપી ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર બુધવારે અહીંની ખાસ એનઆઈએ અદાલત સમક્ષ હાજર થયા હતા. જામીન પર છુટેલા પ્રજ્ઞાસિંહ છેલ્લે જાન્યુઆરી, 2021માં અદાલતમાં હાજર થયાં હતાં.
તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સંબંધી કેસની સુનાવણી કરી રહેલા ખાસ જજ પી. આર. સિત્રે સમક્ષ હાજર થયા હતા. ઠાકુરના વકીલે જણાવ્યું હતું કે, કોર્ટે સાંસદ પ્રજ્ઞાસિંહને સમન્સ મોકલ્યા નહોતા, પરંતુ તેઓ પોતાની રીતે હાજર થયા હતા. કારણ કે તેઓ સારવાર માટે મુંબઈમાં જ હાજર હતા.
આ કેસમાં ભાજપના આ સાંસદ છેલ્લે આ વર્ષની જાન્યુઆરીમાં કોર્ટમાં હાજર થયા હતા.
ભોપાલના સાંસદ બપોરે 12.25 કલાકે કોર્ટમાં આવ્યા હતા અને પ્રથમ હરોળમાં વકીલની ખુરશી પર બેઠા હતા. તેમણે બેઠક ગ્રહણ કરી તે પહેલાં તેમના સાથીએ ખુરશી પર મલમલ જેવુ મુલાયમ વત્ર મૂકયું હતું.
જજે તેમને તેમની તબિયત વિષે પૂછયું હતું, જેના જવાબમાં ઠાકુરે જણાવ્યું હતું કે, ક્યારેક ઠીક રહે છે તો ક્યારેક સારી રહેતી નથી. તેઓ શહેરની કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમને આ સારવાર ઠીક લાગતી હોવાથી તેઓ ફરીવાર આવે છે. માંદગી વિષે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ અનેક બીમારીઓથી પિડાઈ રહ્યા છે.
છેલ્લાં બે દિવસથી તેઓ મુંબઈમાં છે અને જરૂર પડે હૉસ્પિટલમાં દાખલ થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું.
વિડીયોમાં એવું જોવા મળે છે કે સાંસદ પ્રજ્ઞા ઠાકુર નવરાત્રિ દરમિયાન ગરબા રમે છે અને કબડી પણ રમે છે. જોકે, તેઓ તબીબી કારણોસર જામીન પર છૂટયા છે અને બહાર આવતા હોવાથી વિવાદ ઊભો થયો છે.
અગાઉ જ્યારે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે તેમણે કોર્ટ રૂમમાં ગંદકી અને સગવડના અભાવની ફરિયાદ કરી હતી.
બુધવારે તેમણે જણાવ્યું હતું કે, હાલના વ્યવસ્થા સારી છે.
જજે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કેટલાક નિયંત્રણો હતા અને હવે સ્વચ્છતાં પર વધુ ધ્યાન આપવામાં આવે છે. કોર્ટે તેમને જરૂર પડે હાજર થવાનું કહ્યું હતું, જેના પ્રતિસાદમાં તેઓ સંમત થયા હતા.
આ કેસમાં ઠાકુર, આર્મી અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત જણ પર ખટલો ચાલી રહ્યો છે. 200 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને તેમાંના આઠ ટ્રાયલ દરમિયાન હિંસક  થઈ ગયા હતા.
બુધવારે કોઈ સાક્ષીની જુબાની લેવાઈ નહોતી. હવે આગામી સુનાવણી 1 ડિસેમ્બરના થશે.
29 સપ્ટેમ્બર, 2008માં માલેગાંવ બૉમ્બધડાકામાં છ જણ માર્યા ગયા હતા અને 100થી વધુ ઈજા પામ્યા હતા.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer