ઍમેઝોનના વિરોધમાં કૈટ દ્વારા ધરણાં

ઍમેઝોનના વિરોધમાં કૈટ દ્વારા ધરણાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : ઈ-કૉમર્સના વ્યાપારમાં ગાંજાનું અને બૉમ્બ બનાવવા માટે પ્રતિબંધિત રસાયણના વેચાણનો વિરોધ કરવા માટે કોનફેડરેશન અૉફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ - `કૈટ' દ્વારા આજે દેશના 500 કરતાં વધારે જિલ્લાના 1200થી વધુ શહેરોમાં દેખાવો અને ધરણાં યોજવામાં આવ્યા હતા.
થાણે અને મુંબઈ શહેર જિલ્લાના કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. મસ્જિદ બંદર પરિસરમાં ચિંચબંદર ખાતે આવેલી ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનની કચેરી પાસે પણ ધરણાં યોજવામાં આવ્યા હતા.
`કૈટ'ના મહાનગરના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યનની ડ્રગ કેસમાં જે ઝડપથી ધરપકડ થઈ છે તે રીતે જ ગાંજાના વેચાણના પ્રકરણમાં એમેઝોનના અધિકારીઓની ધરપકડ કરવામાં આવે. પુલવામામાં આતંકવાદી હુમલા માટે રસાયણોના વેચાણમાં મદદરૂપ થવા બદલ એમેઝોન વિરુદ્ધ દેશદ્રોહનો ખટલો માંડવામાં આવવો જોઈએ. આ પ્રકરણ દેશના એક કરતાં રાજ્યો સંબંધી હોવાથી કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળની એજન્સીઓને તપાસ સોંપવામાં આવે. દોષિતો વિરુદ્ધ વિના વિલંબે કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી તપાસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી એમેઝોનના ઈ-કૉમર્સ પોર્ટલનું કામકાજ ઉપર દેશમાં બંધી લાદવામાં આવે.
`કૈટ'ના મહાનગરના અધ્યક્ષ રમણિક છેડાએ જણાવ્યું હતું કે એમેઝોન દ્વારા ઝેર, જોખમી રસાયણો અને ગાંજા જેવી ચીજોનું વેચાણ થતું હોવાથી તેને બંધ કરવામાં આવે છે. આમ છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આ અંગે નિર્ણયાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી.
`કૈટ' મહાનગર દ્વારા યોજવામાં આવેલા ધરણામાં શંકર ઠક્કર, મહેશ બખાઈ, સુરેશ ઠક્કર, અમરશી કારિયા, વીરેન બાવીસી, રમણિક છેડા, દિલીપ માહેશ્વરી, કમલેશ હેમાણી, જાદવજી ગલિયા, ભરત શાહ, જયેશ ગડા અને સમીર પરીખે ભાગ લીધો હતો.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer