શ્રેયસ અને જાડેચાની લડાયક ઈનિંગ્સ : કાનપુર ટેસ્ટમાં ભારતના ચાર વિકેટે 258

શ્રેયસ અને જાડેચાની લડાયક ઈનિંગ્સ : કાનપુર ટેસ્ટમાં ભારતના ચાર વિકેટે 258
શ્રેયસ (75*) અને રવીન્દ્ર (50*) વચ્ચે 113 રનની અતૂટ ભાગીદારી : ગિલની પણ આકર્ષક અર્ધસદી : ન્યુઝિલેન્ડ તરફથી જેમિસનની 3 વિકેટ
કાનપુર, તા.2પ: ડેબ્યૂ મેચમાં મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરની 75 રનની અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની 50 રનની અણનમ ઇનિંગથી ભારતે પ્રવાસી ન્યુઝિલેન્ડ સામેના પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 4 વિકેટે 258 રન કરીને તેની સ્થિતિ સુધારી લીધી છે. ભારત તરફથી આ સિવાય યુવા ઓપનર શુભમન ગિલ (52)એ પણ અર્ધસદી કરી હતી જ્યારે ટીમની દીવાલ ચેતેશ્વર પુજારા (26) અને કાર્યવાહક કપ્તાન અંજિકયા રહાણે (35) ક્રિઝ પર સેટ થઈ ગયા બાદ આઉટ થયા હતા. અહીંના ગ્રીનપાર્ક સ્ટેડિયમની સ્પિન મદદગાર ગણાતી પીચ પર ન્યુઝિલેન્ડના ઝડપી બોલર કાઇલ જેમિસને શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. 
145 રને કપ્તાન રહાણેના રૂપમાં ચોથી વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ ભીંસમાં આવી ગઈ હતી, પણ આજના આખરી સત્રમાં પહેલીવાર ટેસ્ટ રમી રહેલા શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજાએ કિવિઝ બોલરોને હંફાવીને ભારતની  બાજી સંભાળી લીધી હતી. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 208 દડામાં 113 રનનો ઉમેરો થઈ ચૂક્યો છે. શ્રેયસ અય્યર 136 દડામાં 7 ચોક્કા અને 2 છક્કાથી 75 રને અને રવીન્દ્ર જાડેજા 100 દડામાં 6 ચોક્કાથી 50 રને નોટઆઉટ રહ્યા હતા. આવતીકાલે મેચના બીજા દિવસે શ્રેયસ પાસે ડેબ્યૂ મેચમાં સદી કરવાની તક રહેશે. 
આ પહેલાં ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. મયંક અગ્રવાલ 13 રને જેમિસનનો પહેલો શિકાર બન્યો હતો. શુભમન ગિલે કેટલાક આકર્ષક શોટ મારીને અર્ધસદી પૂરી કરી હતી. જો કે બાદમાં તે 93 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 52 રન કરીને જેમિસનનો બીજો શિકાર બન્યો હતો. પુજારા 26 રને સાઉધીના દડામાં વિકેટકીપરને કેચ આપી પાછો ફર્યો હતો જ્યારે સુકાની રહાણેએ 35 રન કર્યા હતા અને જેમિસનના બહાર જતા દડાને છેડછાડ કરવાના ચક્કરમાં બોલ્ડ થયો હતો. કાનપુરની ટર્નિંગ ગણાતી વિકેટ પર કિવિઝના સ્પિનર સફળ રહ્યા ન હતા.
સ્કોર બોર્ડ: ભારત પહેલો દાવ: મયંક કો. બ્લન્ડેલ બો. જેમિસન 13, શુભમન બોલ્ડ જેમિસન 52, ચેતેશ્વર કો. બ્લન્ડેલ બો. સાઉધી 26, રહાણે બોલ્ડ જેમિસન 3પ, શ્રેયસ નોટઆઉટ 75, રવીન્દ્ર નોટઆઉટ 50, વધારાના 7, કુલ 84 ઓવરમાં 4 વિકેટે 258 રન.
વિકેટ ક્રમ : 21, 82, 106, 145
બોલિંગ : સાઉધી : 16.4-3-43-1, જેમિસન: 15.2-6-47-3, એઝાજ : 21-6-78-0, સોમરવિલે : 24-2-60-0 અને રચીન રવીન્દ્ર : 7-1-28-0.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer