સોનામાં ઘટાડો અટક્યો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 25 : સોનાનો ભાવ ઘટીને ત્રણ અઠવાડિયાની તળિયાની 1779 ડોલરની સપાટીએ બુધવારે પહોંચ્યા પછી સહેજ વધીને 1792ના સ્તરે હતો. ડોલરમાં ઉંચા મથાળે પ્રોફિટ બાકિંગ જોવા મળ્યું એટલે સોનામાં ઘટાડો અટક્યો હતો. બોન્ડના યીલ્ડ પણ સ્થિર હતા. ડોલરનું મૂલ્ય સોળ મહિનાની ટોચની સપાટી નજીક ચાલી રહ્યું છે એટલે સોનાને વધવા માટે શ્રમ કરવો પડી રહ્યો છે. નવા સપ્તાહે સોના માટે 1800 ડોલરનું સ્તર વટાવવાનો પ્રથમ ટારગેટ હશે. આ સ્તર વટાવાય નહીં ત્યાં સુધી 1780 સુધી જવાની કોશિષ સોનું કરતું રહેશે. સોનાની સાથે ચાંદી પણ ખાસ્સી ઘટી જઇને 23.62 ડોલર થઇ ગઇ છે.  
ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ટેપરીંગની શરૂઆત આવતા મહિનાથી કરાશે અને વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય આવતા વર્ષે ગમેત્યારે લેવાઇ જશે એ મુદ્દે બજારમાં ફફડાટ છે એટલે બજાર 1868 ડોલર સુધી આ મહિને વધ્યા પછી ફરીથી ઘટી ગઇ છે.ફેડની મિનિટસ ગઇકાલે રજૂ થઇ હતી એના પરથી પણ આ પ્રકારના સંકેતો પ્રાપ્ત થયા છે.  
વિષ્લેષકો કહે છેકે, લોકોનું ખર્ચ અમેરિકામાં વધી રહ્યું છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચકાઇ રહ્યા છે એ વ્યાજદર વધારવાની દિશાના છે. ફુગાવા સામે હેજરૂપે સોનાની ખરીદી થતી હોય છે પણ અત્યારે વ્યાજદરનો ફફડાટ બજારને અકળાવી રહ્યો છે. ઇક્વિટી અને સોના કરતા બોન્ડ તથા ડોલરની ખરીદી વધી ગઇ છે. જાણકારો કહે છે, બજાર અત્યારે યુરોપીયન દેશોમાં વધી રહેલા કોરોનાના કેસને પણ ધ્યાને લઇ રહી છે. કોરોના મહામારી વધારે પ્રમાણમાં ફેલાઇ જાય તો સોનું ફરી આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.70 વધીને રૂ. 49320 અને મુંબઇમાં રૂ.103 વધતા રૂ. 47687 હતો. ચાંદીનો ભાવ રાજકોટમાં એક કિલોએ રૂ. 200 સુધરતા રૂ. 64200 અને મુંબઇમાં રૂ. 362 વધતા રૂ. 63308 હતો.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer