ઘસારાને પહોંચી વળવા પુણે ઍરપોર્ટ અપગ્રેડ કરાશે

મુંબઈ, તા. 25 : પુણેના પુરંદરમાં પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ નહીં થઈ રહી હોવાથી નાગરિકોને લોહેગાંવ એરબેઝ પર સ્થિત ભારતીય વાયુ સેનાના હવાઈમથક પર જ નિર્ભર રહેવું પડશે.
પુણે ઍરપોર્ટ એક સિવિલ એન્કલેવ છે જેનું નિયમન ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. વિમાન પ્રવાસીઓમાં વધારો થતાં પુણેના વર્તમાન ઍરપોર્ટમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. વધારાનું ટર્મિનલ બિલ્ડિંગ અને કાર્ગો સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. રનવૅનો વિસ્તાર કરવાની પણ યોજના છે.
પુરંદર ઍરપોર્ટ માટે જમીન સંપાદનમાં મુશ્કેલીઓ આવી રહી છે. ગ્રામજનો વિરોધ કરી રહ્યા હોવાથી આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે એક નવો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો છે જેને હજી મંજૂરી મળી નથી. આથી નવું ઍરપોર્ટ બાંધવામાં કેટલો સમય જાય એ નક્કી નહીં હોવાથી વર્તમાન ઍરપોર્ટનું જ વિસ્તારીકરણ કરવા સિવાય પર્યાય નહીં હોવાનું સંસદસભ્ય અને ઍરપોર્ટ સલાહકાર સમિતિના ચૅરમૅન ગિરીશ બાપટે જણાવ્યું હતું. ઍરપોર્ટ નિર્દેશક સંતોષ ઢોકેએ જણાવ્યું હતું કે પુણે ઍરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક 2019માં 90.70 લાખના સ્તર પર પહોંચી ગયો હતો અને 47,189 મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરાયું હતું.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer