મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે જળપરિવહન સેવા ટૂંક સમયમાં

મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે જળપરિવહન સેવા ટૂંક સમયમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : જળ પરિવહનના સ્વરૂપમાં સરકારે લોકોને નવા વર્ષમાં ભેટ આપવાનો નિર્ણય લીધો છે. મુંબઈથી નવી મુંબઈ વચ્ચે વોટર ટૅક્સી શરૂ કરવામાં આવશે. જેને કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં થઈ શકશે.
પ્રશાસને બે શહેરોને જળમાર્ગ દ્વારા જોડવાનું કામ પૂરું કરી લીધું છે. 16 ડિસેમ્બરના આ માર્ગ પર વોટર ટૅક્સની સેવા શરૂ કરી દેવામાં આવશે.
મુંબઈથી નવી મુંબઈની વચ્ચે જળ માર્ગ સેવાનો આરંભ કરવા માટે બન્ને સ્થળે જેટી તૈયાર કરવાનું કામ પૂરું થઈ ગયું છે. આ રૂટ પર વોટર ટૅક્સીનું ટ્રાયલ રન પણ પૂરું કરી લેવામાં આવ્યું છે.
હાલ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે સડક માર્ગથી મુસાફરી કરતા દોઢથી બે કલાકનો સમય લાગે છે અને રેલવે માર્ગ દ્વારા એકથી દોઢ કલાકનો સમય લાગે છે. જળમાર્ગ દ્વારા આ અંતર માત્ર 40થી 45 મિનિટમાં કાપી શકાશે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચૅરમૅન રાજીવ જલૌટાએ જણાવ્યું હતું કે વોટર ટૅક્સ શરૂ કરવાની બધી તૈયારી પૂરી થઈ ગઈ છે. મુંબઈનું ડોમેસ્ટિક ક્રુઝ ટર્મિનલ મુસાફરોના સ્વાગત માટે તૈયાર છે. આ રૂટ પર વોટર ટૅક્સી ચલાવતી કંપનીની પસંદગી પણ કરી લેવામાં આવી છે. આગામી મહિનાના અંત સુધીમાં આ સેવા શરૂ થઈ જશે.
આ જળ પરિવહન શરૂ થતાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે મુસાફરોને એક વિકલ્પ મળશે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer