11 અૉક્ટોબરના મહારાષ્ટ્ર બંધ બદલ રૂ. 3000 કરોડના વળતર માટે જનહિત અરજી

11 અૉક્ટોબરના મહારાષ્ટ્ર બંધ બદલ રૂ. 3000 કરોડના વળતર માટે જનહિત અરજી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં થયેલા હિંસાચારના નિષેધ તરીકે મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની બનેલી સત્તાધારી મહાવિકાસ આઘાડીએ 11 અૉક્ટોબરે જાહેર કરેલા `મહારાષ્ટ્ર બંધ'ને ગેરકાયદે જાહેર કરવાની માગણી કરતી જનહિત અરજી ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી જુલિયો રિબેરો, ભૂતપૂર્વ સરકારી અધિકારી ડી.એમ.સુકથનકર સહિત ચાર મહાનુભાવે હાઈ કોર્ટમાં દાખલ કરી છે. આ બંધની હાકલ બદલ પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાન બદલ 3000 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ ઉક્ત ત્રણેય પક્ષોને આપવાની વિનંતી વડી અદાલતને કરવામાં આવી છે.
 બંધ પોકારીને જનજીવન ઠપ કરવું એ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આથી આ બંધને લીધે થયેલા નુકસાન માટે જવાબદાર મહાવિકાસ આઘાડીની સરકારના ત્રણ રાજકીય પક્ષો પાસેથી તેની ભરપાઈ કરવાનો આદેશ આપવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી છે.  ઉપરાંત બંધ દરમિયાન બળજબરીથી દુકાન, કાર્યાલયો બંધ કરાવનારા, જાહેર અને ખાનગી માલમિલકતને નુકસાન પહોંચાડનારા અને મારઝૂડ કરનારાઓ પર ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપવાની  માગણી પણ અરજીમાં કરવામાં આવી છે. 
રાજકીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવતો બંધ ગેરબંધારણીય હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. 11 અૉક્ટોબરનો બંધ તો રાજ્યની સત્તાધારી મહાવિકાસ આઘાડીના સહભાગી રાજકીય પક્ષોએ પોકાર્યો હતો. આથી એને અસાધારણ ગણવો જોઈએ, એવું પણ અરજીમાં નોંધ કરાયું છે. લોકશાહી અને સુસંસ્કૃત સમાજ માટે જેમણે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ તેમણે જ બંધ પોકાર્યો એ ખેદજનક છે. સરકારનું આ કાર્ય અરાજકતા તરફ લઈ જાય છે. આ બંધ પોકારીને સત્તાધારીઓએ ફક્ત મૂળભૂત અધિકારોનું જ ઉલ્લંઘન ર્ક્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના બંધ અંગેના આદેશોનું, ગાઈડલાઈન્સનું પણ પણ ઉલ્લંઘન ર્ક્યું છે. આથી આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અદાલતનો હસ્તક્ષેપ જરૂરી હોવાનું અરજીમાં જણાવાયું છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer