નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી 10 મહિનાની ટોચે

નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી 10 મહિનાની ટોચે
સારી કંપનીઓએ કર્મચારીઓની ભરતી ફરી શરૂ કરી
નવી દિલ્હી, તા. 1 : દેશના આર્થિક વૃદ્ધી દરના આંકડા સકારાત્મક આવ્યા બાદ નવેમ્બર માસમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રએ પણ ઉજળો દેખાવ કર્યે છે. આઇએચએસ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)ના સર્વે મુજબ નવેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ વધીને 10 માસની ટૉચે 57.6 થયો હતો જે ઓક્ટોબર મહિનામાં 55.9 અંક હતો. 50 અંકથી ઉપર અર્થતંત્રમાં વૃદ્ધિ અને તેનાથી નીચેનો અંક અર્થતંત્રમાં સંકોચનનો નિર્દેશ કરે છે.
સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ઉત્પાદન વધ્યું હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે, જોકે, ફુગાવામાં વધારો થવાથી કાચા માલના ભાવમાં ઉછાળો અને નવા કોવિડ વાઇરસના કારણે આગળ જતાં અર્થતંત્ર સામે પડકારો હોવાની ટકોર આ સર્વેમાં કરવામાં આવી છે. 
દરમિયાન, સારી કંપનીઓએ કર્મચારીઓની ભરતી ફરી શરૂ કરી છે, જોકે, ભરતીની ગતી હજી મધ્યમ છે, એમ આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. સર્વે મુજબ કાચા માલના ઊંચા ભાવ અને વધેલા ફુગાવા વચ્ચે માગ અને પુરવઠામાં અસમાનતા રહેવાના કારણે આગામી મહિનામાં અર્થતંત્રના વિકાસદર સામે અંતરાય આવવાની શક્યતા છે. 
અત્યારે વિકાસ દરના આંકડા પ્રોત્સાહક હોવાથી ઉદ્યોજકો ખુશ છે પરંતુ સકારાત્મક સેન્ટિમેન્ટનું સ્તર 17 મહિનાના નીચલા સ્તરે હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. 
કોવિડના નવા વેરિયન્ટ અને ફુગાવો એ બે પરિબળો આજે અર્થતંત્ર સામે સૌથી મોટા પડકાર સમાન હોવાનું આઇએચએસ માર્કિટના વરિષ્ઠ અર્થશાત્રી પોલિયાના દ લીમાએ જણાવ્યું છે. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer