નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂા. 1.31 લાખ કરોડ થયું

જીએસટીના અમલ બાદ બીજા ક્રમની સૌથી મોટી મહેસૂલી આવક
નવી દિલ્હી, તા. 1 (પીટીઆઈ) : નવેમ્બરમાં ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)નું કલેક્શન રૂા. 1.31 લાખ કરોડ થયું છે જે જીએસટી પ્રણાલિના અમલ બાદ બીજા ક્રમની સૌથી મોટી આવક છે. ગયા એપ્રિલ મહિનામાં સૌથી વધુ રૂા. 1.40 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.
નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 25 ટકા વધારે અને વર્ષ 2019-20ના કોવિડ પૂર્વેના સ્તર કરતાં 27 ટકા વધારે આવ્યું હોવાનું નાણા મંત્રાલયે જાહેર કર્યું છે.પાછલા ઓક્ટોબર મહિનાના રૂા. 1.30 લાખ કરોડના કલેક્શનની તુલનાએ નવેમ્બરનું જીએસટી કલેક્શન 1.1 ટકા વધારે થયું હતું. નાણામંત્રાલયે આ સંદર્ભે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે જીએસટીના પ્રોત્સાહક આંકડા અર્થતંત્રમાં થઈ રહેલા ઝડપી સુધારાની પ્રતીતિ કરાવે છે.
જીએસટીના કુલ કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી રૂા. 23,978 કરોડ, રાજ્યોની જીએસટી આવક રૂા. 31,127 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી રૂા. 66,815 કરોડ અને સેસ દ્વારા રૂા. 9606 કરોડની આવકનો સમાવેશ થાય છે. આઈજીએસટીમાં સામાનની આયાત સામે રૂા. 32,165 કરોડ અને આયાતી શીપમેન્ટ ઉપર સેસ પેટે વસૂલ થયેલા રૂા. 653 કરોડનો સમાવેશ થાય છે.
નવેમ્બર દરમિયાન માલની આયાત સામે મહેસૂલી આવક 43 ટકા અને સ્થાનિક સોદામાં (આયાતી સર્વિસીસ) સામે થયેલી આવકમાં 20 ટકાનો વધારો વાર્ષિક ધોરણે થયો હતો.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer