બસમાં ચડતા પહેલાં પ્રવાસીઓની વૅક્સિન સર્ટિફિકેટની ચકાસણીથી વિલંબ થશે

બસમાં ચડતા પહેલાં પ્રવાસીઓની વૅક્સિન સર્ટિફિકેટની ચકાસણીથી વિલંબ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : બસોમાં પ્રવાસીઓને પ્રવાસ કરવાની છૂટ આપતાં પહેલાં તેમનો કોવિડ વૅક્સિનેશનની સર્ટિફિકેટની ચકાસણી કરવા બેસ્ટે તેના શહેરના 27 બસ ડેપોને જણાવ્યું છે ત્યારે કન્ડક્ટરો અને પ્રવાસીઓએ આ પગલાં સામે શંકા વ્યક્ત કરી છે.
કન્ડક્ટરો અને પ્રવાસીઓએ આવી ચકાસણીથી બસ ડેપો અને બસ સ્ટોપ પર ગિરદી થવાની અને કતારો લાગવાની અને આને કારણે પ્રવાસમાં વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. જાહેર પરિવહનના વાહનોમાં બન્ને ડૉઝ લેનારા પ્રવાસીઓને જ પ્રવાસની છૂટ આપવામાં આવે એવો હુકમ મહારાષ્ટ્ર સરકારે શનિવારે બહાર પાડયો હતો.
બસ સંચાલકો અને કાળીપીળી ટૅક્સીના ડ્રાઇવરોએ આ હુકમ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં તેઓ ભારે નુકસાની વેઠી ચૂક્યા છે હવે તેઓને માત્ર બે ડૉઝ લેનારા પ્રવાસીઓને પ્રવાસની છૂટ આપવાનું પરવડી શકે નહીં. બેસ્ટે શનિવારે સાંજે રાજ્ય સરકારના હુકમનો આ પરિપત્ર તેના બસ ડેપોને પાઠવ્યો હતો. જોકે, કેટલાંક કન્ડક્ટરો અને બસ ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે, તેમને આવા કોઈ હુકમની જાણ નથી અને જો તેનો અમલ થશે તો ગૂંચવાડો ઊભો થશે.
`અમને આવા કોઈ હુકમની ખબર નથી, પરંતુ આવી ચકાસણી લગભગ અશક્ય છે. ચકાસણી બાદ પ્રવાસીઓને પ્રવાસની છૂટ આપવાથી લાંબી કતારો લાગશે અને ખાસ કરીને અૉફિસના કામકાજ માટે જતી વેળા લોકોને પરેશાની થશે' એમ બેસ્ટના એક કન્ડક્ટરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
બેસ્ટના કર્મચારીઓએ એવું સૂચન કર્યું હતું કે, બેસ્ટે એવી કોઈ યંત્રણા વિકસાવવી જોઈએ જેથી સર્ટિફિકેટ્સની ચકાસણી થઈ જાય અને વિલંબ અને ગૂંચવાડો ઊભો ન થાય.
`રાજ્ય સરકારનો હુકમ આવી ગયો છે હવે આપણે વૅક્સિન સર્ટિફિકેટની ચકાસણી કેવી રીતે કરી શકાય એ માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ' એમ બેસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.

Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer