આજે ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં

આજે ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં
વાયબ્રન્ટ ગુજરાત સમિટનો રોડ શૉ : ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 1 : દસમી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની છડી પોકારાઇ ચૂકી છે. આવતીકાલે, બીજી ડિસેમ્બરને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ મુંબઈમાં રોડ શો યોજાશે. ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે મુંબઈની તાજમહાલ પેલેસ હૉટેલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે  વિવિધ ક્ષેત્રોના બિઝનેસ લીડર્સ તેમ જ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજશે. ત્યારબાદ મુખ્ય પ્રધાન સવારે 11 કલાકે યોજાનારા રોડ-શૉમાં વાયબ્રન્ટ સમિટ-ર0રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. મુખ્ય પ્રધાન અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.    
મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ,  ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમ જ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા જોડાશે.  
ગુજરાત સરકાર દ્વારા કુલ છ રોડ શો વિવિધ રાજ્યોમાં યોજવાની યોજના છે. પ્રથમ રોડ શો દિલ્હીમાં ગુરુવારે સંપન્ન થયો. એમાં નવ જેટલા કોર્પોરેટ ગૃહો સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન ટુ વન બેઠકો યોજી હતી. એમાં મારુતિ સુઝુકી, અવાડા એનર્જી, ઓયો હોટેલ્સ, પી આઇ ઇન્ડસ્ટ્રી, જેસીબી, અર્બન કંપની તથા ડીસીએમ શ્રી રામનો સમાવેશ થાય છે.  
ગુરુવારે મુંબઈમાં યોજાનારા રોડ શોમાં પણ વિવિધ ઉદ્યોગકારોને મુખ્ય પ્રધાન મળશે. મુંબઈ પછી લખનઊ, ચેન્નઇ, બેંગલોર અને હૈદરાબાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 15થી 20 જેટલા રાષ્ટ્રો ડિપ્લોમેટિક ચેનલ વડે જોડાશે અને એમાંથી મોટાંભાગના દેશોની સંમતિ આવી ગઈ છે. પાટર્નર બનનારા દેશોની યાદી પણ પાછલી સમિટ કરતાં લાંબી થવાની શક્યતા છે. 2019માં કુલ 16 જેટલા દેશો પાટર્નર તરીકે જોડાયા હતા.  
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer