નાર્કો ક્વીન પર વૅબ સીરિઝ બેબી પાટણકર

નાર્કો ક્વીન પર વૅબ સીરિઝ બેબી પાટણકર
ફિલ્મ મુંબઈ સાગા બાદ હવે સંજય ગુપ્તા ફરી દિગ્દર્શક તરીકે સુકાન સંભાળશે અને નાર્કો ક્વીનના જીવન પર આધારિત વૅબ સીરિઝ બેબી પાટણકર બનાવશે. બેબી પાટણકર કેફી દ્રવ્યોના બિઝનેસ માટે જાણીતી છે અને મ્યાઉં મ્યાઉં ક્વીન તરીકે ઓળખાય છે. દસ એપિસોડની આ સીરિઝની બીજી પણ કેટલીક સીઝન બનાવવામાં આવશે. હાલમાં ગુપ્તા અને તેના લેખકો આ સીરિઝની વાર્તા લખી રહ્યા છે અને છ મહિના બાદ શુટિંગ શરૂ થશે. ગુપ્તાની સાથે સ્મિત કક્કડ આ પ્રૉજેકટ હાથ ધરશે. સંજયે જણાવ્યું હતું કે, ગુનાખોરીના વિષય પરથી ફિલ્મ બનાવવી મને ગમે છે. આ વાર્તા તમામ હકીકતો સાથે કહેવી જરૂરી છે એટલે વૅબ સીરિઝ બનાવવામાં આવશે. 
1980ના દાયકામાં બેબી પાટણકર ઘરનોકરાણીનું કામ કરતી હતી. તેના દારૂડિયા પતિએ બે બાળકો સાથે તેને ઘરમાંથી કાઢી મૂકી. વરલીની ઝૂંપડપટ્ટીમાં રહીને તે કેટલાંક ઘરમાં નોકરાણીનું કામ કરીને તથા દૂધની બાટલીઓ પહોંચાડીને માંડ બે છેડા ભેગા કરતી હતી. ત્યાંથી તે કેફી દ્રવ્યોના વ્યવસાયમાં પ્રવેશી અને તેણે સામ્રાજય ખડું કર્યું. 2015 સુધી તેનો કેસ ચાલતો હતો. તેના ઘરમાંથી 120 કિલો એમડીએમએ પકડાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બેબી પાટણકર કઈ રીતે નોકરાણીમાંથી કેફી દ્રવ્યોની દુનિયાની મહારાણી બની , પોલીસ ઇન્સ્પેકટર સાથેનો તેનો પ્રેમ અને તે સંબંધનો તેણે લીધેલો ગેરલાભ, કેફી દ્રવ્યની દુનિયામાંની તેની દુશ્મની વગેરે બાબતો સંજય સીરિઝમાં દર્શાવશે. 
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer