આજથી અૉસિ.-ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી એશીઝ ડે-નાઇટ ટેસ્ટ મેચ

વોર્નર સાથે ખ્વાઝા અૉપનિંગ કરશે; હેરિસ પડતો મુકાયો : મૅચ 9.30 વાગ્યે શરૂ થશે
હોબાર્ટ, તા. 13: એશિઝ સિરીઝના શુક્રવારથી અહીં રમનાર પાંચમા અને આખરી ડે-નાઇટ ટેસ્ટ મેચની ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાંથી ઓપનર માર્કસ હેરિસને પડતો મૂકવામાં આવ્યો છે આથી ઉસ્માન ખ્વાઝા ઓસ્ટ્રેલિયાના દાવનો ડેવિડ વોર્નર સાથે પ્રારંભ કરશે.  હેરિસના સ્થાને ટ્રેવિસ હેડની વાપસી થઇ છે. કોરોના સંક્રમણને લીધે તેણે ચોથો ટેસ્ટ ગુમાવ્યો હતો. ખ્વાઝાએ ચોથા મેચની બન્ને ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. પાંચ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ ચાલી રહ્યુ છે. ઇંગ્લેન્ડે ચોથો ટેસ્ટ આખરી દડા સુધીની રસાકસી પછી ડ્રો કર્યો હતો. હવે ઇંગ્લેન્ડની નજર આખરી મેચમાં પ્રોત્સાહક જીતની રહેશે. જો કે ઇંગ્લેન્ડની રાહ આસાન નથી. તેના ટોપ ઓર્ડરના બેટ્સમેનો એશિઝ સિરીઝમાં સતત ફલોપ રહ્યા છે. જોની બેયરસ્ટોએ ચોથા મેચમાં સદી કરીને નવી આશા જગાવી છે. આવતીકાલથી શરૂ થનાર પાંચમો અને અંતિમ ટેસ્ટ ગુલાબી દડાથી રમવાનો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો અત્યાર સુધી અપરાજીત ક્રમ રહ્યો છે. આથી તેની નજર ડે-નાઇટ ટેસ્ટમાં વધુ એક જીત સાથે એશિઝ શ્રેણી 4-0થી કબજે કરવા પર રહેશે. શ્રેણીનો બીજો મેચ જે એડિલેડમાં રમાયો હતો તે પણ ડે-નાઇટ હતો. જેમાં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય થયો હતો.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer