એલઆઈસીનો આઈપીઓ માર્ચની મધ્યમાં ખૂલે તેવી ધારણા

રૂા.ચાર લાખ કરોડથી વધુના મૂલ્યાંકનનો અંદાજ
મુંબઈ, તા. 13 : દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) આ મહિનાને અંતે પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ જમા કરાવશે અને માર્ચની મધ્ય સુધીમાં પબ્લિક શૅર્સ આપવાનું શરૂ કરશે તેમ સરકારી તેમજ બેન્કિગ ક્ષેત્રનાં માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. 
સરકાર એલઆઈસીનો કેટલોક હિસ્સો વેચીને રૂા. 90,000 કરોડ (12.18 અબજ ડોલર) એકત્ર કરવાનું લક્ષ ધરાવે છે, જેને પગલે એલઆઈસીનો પબ્લિક ઈસ્યુ, ભારતનો વિક્રમી કદાવર આઈપીઓ હશે. પ્રાપ્ત અહેવાલ મુજબ, સરકાર હસ્તકની આ વીમા કંપની માટે કેન્દ્ર સરકાર આશરે રૂા. 15 લાખ કરોડના મૂલ્યાંકનનો આગ્રહ સેવી રહી છે.  
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનું કથિત આંતરિક મૂલ્ય ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાની ધારણા છે અને બજાર મૂલ્ય તેનાથી ચાર ગણું હશે, એમ સૂત્રો જણાવે છે. એકવાર આખરી અહેવાલ આવી ગયા બાદ સરકાર જે મૂલ્યાંકન માગી રહી છે, તે બદલાઈ શકે છે. 
સરકાર ઘણી મોટી પોતાની અપેક્ષાઓ સેવતી હોવાનું માહિતગાર વર્તુળો જણાવે છે. આખરી મૂલ્યાંકન, રોકાણકારોની આકાંક્ષા, નફાકારકતા અને ઉદ્યોગના પ્રવાહો સહિતનાં વિવિધ માપદંડોને આધારે નક્કી કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર એવું મૂલ્યાંકન ઈચ્છે છે કે પાંચ ટકા હિસ્સો લગભગ રૂા. 750 અબજ ખેંચી લાવે. 
એમ્બેડેડ વેલ્યુ 
રૂા.4-5 લાખ કરોડ 
સરકાર દ્વારા નિમાયેલા વીમા નિષ્ણાતે એલઆઈસીની એમ્બેડેડ વેલ્યુ (આંતરિક મૂલ્ય - ઈવી) રૂા. ચારથી પાંચ લાખ કરોડ હોવાનું અંદાજ્યું છે. આ માપદંડ એલઆઈસીનું બજાર મૂલ્ય નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. માર્ચમાં આવી રહેલા આઈપીઓ માટે એલઆઈસીની સ્થાપનાથી અત્યાર સુધીમાં પહેલી જ વાર આ પ્રકારની ગણતરીઓ હાથ ધરવામાં આવી છે. વીમા નિષ્ણાતે પોતાનાં અનુમાનો ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દિપમ)ને સોંપ્યાં છે. 30મી સપ્ટેમ્બર, 2021ના રોજને ધ્યાન ઉપર રાખીને નોન-પાર્ટિસિપાટિંગ ફંડનું વિભાજન થશે, જેમાં એલઆઈસીને પોતે કરેલા ઈક્વિટી ગેઇનનો લાભ મળશે, જેના પગલે મૂલ્યાંકન ઊંચું રહેવાનું અનુમાન છે. આ મહિને એલઆઈસી ડ્રાફ્ટ રેડ હારિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કરશે, જેમાં એમ્બેડેડ વેલ્યુ સામેલ હશે. 
ઈસ્યુનું કદ 
એલઆઈસીના આઈપીઓ મારફતે સરકાર આ વર્ષના રૂા. 1.75 લાખ કરોડના ડિવેસ્ટમેન્ટ લક્ષ્યાંકનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હાંસલ કરવા ધારે છે. મધ્યસ્થીઓ સાથેના સલાહ-વિમર્શ સાથે દિપમ એકવાર ઈસ્યુને આખરી સ્વરૂપ આપે, તે પછી કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સહિતની પ્રધાનમંડળની પેનલ દ્વારા ઈસ્યુના કદ ઉપર નિર્ણયની આખરી મહોર લાગશે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer