મેયર અને આશિષ શેલારને વિવાદની શાંતિથી પતાવટની કોર્ટની સલાહ

મેયર અને આશિષ શેલારને વિવાદની શાંતિથી પતાવટની કોર્ટની સલાહ
મેયરને બે સપ્તાહમાં ઉત્તર આપવાની નોટિસ
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મુંબઈના મેયર કિશોરી પેડણેકરે પોતાની સામે નોંધાવેલી પોલીસ એફઆઈઆર રદ કરવા ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે કરેલી અરજીના સંદર્ભમા હાઈ કોર્ટે ગુરુવારે મેયરને જવાબ ફાઈલ કરવા નોટિસ ઈસ્યુ કરી હતી. હાઈ કોર્ટે મેયરને બે અઠવાડિયામાં જવાબ ફાઈલ કરવાની સુચના આપી છે. સાથે સાથે કોર્ટે બન્ને પક્ષકારોને કેસની શાંતિથી પતાવટ કરવાની સલાહ પણ આપી હતી. 
આ કેસમાં શેલારની ધરપકડ ન કરવાની મુંબઈ પોલીસની ખાતરીનો હાઈ કોર્ટે સ્વીકાર કર્યો હતો. પોલીસે એમપણ કહ્યું હતું કે હાઈ કોર્ટની આગલી સુનાવણી સુધી આ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ નહીં કરાય. 
એક પત્રકાર પરિષદમાં શેલારે કરેલા નિવેદનને વાંધાજનક ગણાવી મેયરે ડિસેમ્બરમાં શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ફરિયાદમાં મેયરે કહ્યું હતું કે વરલીની બીડીડી ચાલમાં 30 નવેમ્બરે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ પ્રકરણમાં શેલારે પત્રકાર પરિષદમાં મારી સામે અપમાનજનક નિવેદન કર્યું હતું. આ ઘટનામાં ચાર જણનાં મોત થયાં હતાં. 
મેયર ઘટના સ્થળની 72 કલાક સુધી મુલાકાત ન લેતાં શેલારે પત્રકારોને એમ કહ્યું હતું કે 72 કલાક સુધી મેયર ક્યા સુતા હતા? 
ગુરુવારે શેલારના કાઉન્સિલ રિઝવાન મર્ચન્ટે હાઈ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આ પત્રકાર પરિષદ મેયર પર પ્રહાર કરવા માટે મારા અસીલે બોલીવી નહોતી. મેયર પેડણેકર માટે તો માત્ર એક સવાલ મારા અસીલે પુછેલો. 
કાઉન્સિલ રિઝવાન મર્ચન્ટે કોર્ટને કહ્યું હતું કે વરલીમાં જે દુર્ઘટના બનેલી એ સંદર્ભમાં મારા અસીલે એક જનપ્રતિનિધિના હેસિયતથી પત્રકાર પરિષદ બોલાવેલી. દુર્ઘટનાને કારણે નાખૂશ અને વિચલિત થયેલા મારા અસીલે પોતાનો ગુસ્સો પત્રકારો સમક્ષ ઠાલવ્યો હતો. 
હાઈ કોર્ટે બન્ને પક્ષને શાંતિથી વિવાદની પતાવટ કરવાની મૌખિક સલાહ આપી હતી. બન્ને પક્ષકાર જવાબદાર નાગરિક છે. બન્ને જાહેર જીવનમાં મહત્વના હોદ્દા પર છે. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે સામે પક્ષે આખા શહેરનું પ્રતિનિધિ કરતાં મેયર છે. બન્ને પક્ષકાર શાંતિથી સમજુતિ કેમ કરી નથી લેતા? 
જોકે પતાવટ માટે હાઈ કોર્ટે ચોક્કસ કોઈ સુચના કે આદેશ આપ્યો નહોતો, પણ મેયરને નોટિસ આપવાની સુચના આપી હતી.  
હાઈ કોર્ટ હવે બે સપ્તાહ બાદ શેલારની અરજીની સુનાવણી કરશે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer