ભ્રષ્ટાચારના કેસમાં ભુજબળ અને અન્યોની દોષમુક્તિ સામે અંજલિ દમણીયા હાઈ કોર્ટમાં

ભ્રષ્ટાચારના કેસમાં ભુજબળ અને અન્યોની દોષમુક્તિ સામે અંજલિ દમણીયા હાઈ કોર્ટમાં
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારના ખટલામાં મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળ, તેમના પરિવારજનો અને અન્યોને ડિસ્ચાર્જ કરવાના સ્પેશિયલ કોર્ટના ચૂકાદાને એક્ટિવિસ્ટ અંજલિ દમણીયાએ ગુરુવારે મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. 
રિવિઝન એપ્લિકેશનમાં અંજલિ દમણિયાએ હાઈ કોટના આદેશને રદ કરવાની અને ખટલાની વહેલી તકે પતાવટ કરવાનો સ્પેશિયલ કોર્ટને આદેશ આપવાની વિનંતી કરી છે. 
સ્પેશિયલ કોર્ટે સપ્ટેમ્બર 2021ના એન્ટિ કરપ્શન બ્યુરોએ નોંધાવેલા કેસોમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સિનિયર નેતા છગન ભુજબળ, તેમના દીકરા પંકજ અને ભત્રીજા સમીર અને અન્ય પાંચ આરોપીને ડિસ્ચાર્જ કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર સદનની ઈમારતના નિર્માણમાં આરોપીઓએ  ડેવલપર પાસેથી લાંચ લીધી હોવાના કોઈ નક્કર પુરાવા રજૂ કરાયા નથી. 
આ ચૂકાદા સામે એન્ટિકરપ્શન બ્યુરોએ હજી સુધી કોઈ પડકાર ફેંક્યો ન હોવાનો દાવો પણ અરજીમાં દમણિયાએ કર્યો છે. અરજીમાં તેમણે કહ્યું છે કે જાહેર હિતને લગતો આ મહત્વનો કેસ છે અને આ ભ્રષ્ટાચારમાં જંગી સરકારી રકમ સંડોવાયેલી છે. પ્રતિવાદી નંબર એક (છગન ભૂજબળ) મહારાષ્ટ્રની વર્તમાન સરકારમાં પ્રધાન છે અને એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા છે. મહારાષ્ટ્રની મોરચા સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ સત્તાધારી ઘટક પક્ષ છે. 
અંજલિ દમણિયાએ રિવિઝન પિટિશનમાં કહ્યું છે કે 2014માં હાઈ કોર્ટમાં જાહેર હિતની એક અરજી કરીને મેં આ ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડયો હતો. એ વખતે હાઈ કોર્ટે ભૂજબળ અને અન્યો સામે ભ્રષ્ટાચારની તપાસ કરવાની એન્ટિ કરપ્શન બ્યુરોને આદેશ આપ્યો હતો. 
અરજીમાં દમણિયાએ કહ્યું છે કે ભૂજબળ અને અન્ય આરોપીઓએ ફોજદારી ષડયંત્ર રચીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. મહારાષ્ટ્ર સદન અને અન્ય સરકારી પ્રોજેક્ટોમાં ટેન્ડર વગર ભુજબળે એક ખાનગી ડેવલપરની નિમણુંક કરી હતી અને બદલામાં ભુજબળ અને અન્યોને કટકીની રકમ મળી હતી. એન્ટિ કરપ્શન બ્યુરોએ રજૂ કરેલા પુરાવાની  સ્પેશિયલ કોર્ટે ઉપેક્ષા કરી છે. આ પુરાવામાં દર્શાવાયું છે કે ભુજબળે તેમની સત્તાનો દુરુપયોગ કરીને એક ખાનગી બિલ્ડરને એપોઈન્ટ કરવામાં મહત્નવી ભૂમિકા ભજવી હતી. 
દમણિયાની અરજીની સુનાવણી હાઈ કોર્ટ વહેલી તકે કરે એવી શક્યતા છે. 
2005-06માં ભ્રષ્ટાચારના આ આક્ષેપો થયા ત્યારે ભુજબળ જાહેર બાંધકામ વિભાગના પ્રધાન હતા. એન્ટિ કરપ્શન બ્યુરોએ એવો આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્ર સદનના કોન્ટ્રેક્ટમાંથી ડેવલપરે 80 ટકાનો પ્રોફિટ કર્યો હતો. વાસ્તવમાં સરકારી પ્રોજેક્ટમાં નફાની મર્યાદા 20 ટકા રાખવામાં આવી છે. શરૂઆતમાં મહારાષ્ટ્ર સદન પાછળ 13.5 કરોડનો ખર્ચ નક્કી કરાયો હતો, જે પછી વધારીને 50 કરોડનો કરાયો હતો. ભુજબળના પરિવારને કટકી પેટે 13.5 કરોડની રકમ મળી હતી. ડેવલપરે મહારાષ્ટ્ર સદન અને અન્ય સરકારી પ્રોજેક્ટમાંથી 190 કરોડનો નફો કર્યો હતો.  
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer