મોલ ખુલ્લાં તો મેદાન બંધ કેમ? વરિષ્ઠ નાગરિકોનો સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ , તા.14 : કોરોનાની ત્રીજી લહેર શરૂ થયા બાદ મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેકસ, હૉટેલ, ઓડિટોરિયમ, થિયેટરો 50 ટકા ક્ષમતાએ શરૂ રાખવાની પરવાનગી આપી છે . જ્યારે મેદાન, ઉદ્યાનોને બંધ રાખ્યા છે. ખુલ્લી જગ્યામાં શ્વાસ લેવા માટે બગીચા, ઉદ્યાન અને મેદાન ખુલ્લા રાખવાની માગણી વરિષ્ઠ નાગરિકોએ કરી છે. અનેક સોસાયટીઓમાં ફરવા માટે વિસ્તાર હોતો નથી. તેથી વરિષ્ઠ નાગરિકો સવારે અથવા સાંજે નજીકના બગીચા, ઉદ્યાનોમાં અથવા મેદાનોમાં ફરવા માટે કે શાંતિથી બેસવા માટે જતા હોય છે. તેમના આરોગ્ય માટે આ બાબત લાભદાયક હોય છે. નવા પ્રતિબંધ અનુસાર મેદાન, ઉદ્યાનો બંધ હોવાથી ફરવા કયાં જવુ તેવો સવાલ તેમને થઈ રહ્યો છે. મોલ,થિયેટરોની જેમ માસ્ક પહેરવા, રસીના બંને ડૉઝના પ્રમાણપત્રોના આધારે મેદાન અને ઉદ્યાનો વરિષ્ઠ નાગરિકો માટે ખોલવાની માગણી વરિષ્ઠ નાગરિકોએ સરકારને કરી છે. 
ધ ફેડરેશન અૉફ સિનિઅર સિટિઝન્સ ઓર્ગેનાઈઝેશન અૉફ મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ વિજય ઔંધેએ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને ફરવા માટે ખૂલ્લી જગ્યા હોવી જોઈએ. બે અથવા હવે ત્રણ રસી લીધેલા વરિષ્ઠ નાગરિકો માટે બગીચા, ઉદ્યાન, મેદાન ખુલ્લા મૂકવા. વરિષ્ઠ નાગરિકો માટે સમય નિશ્ચિત કરી, જગ્યાઓ પણ નક્કી કરવી. જેથી વરિષ્ઠ નાગરિકો વ્યાયામ કરી શકે. ઘરે બેસીને શારીરિક અને માનસિક રોગની તકલીફોમાં વધારો થવાના જોખમને જોતાં આ બાબતે રાજ્ય સરકારે વિચાર કરવો એવી માગણી તેમણે કરી છે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer