કોરોનાની હોમ ટેસ્ટ કિટ વાપરનારાંઓ પરિણામનો ઈ-મેલ મોકલવાનો રહેશે

મુંબઈ, તા. 14 (પીટીઆઈ): કોરોનાની ટેસ્ટ હવે લોકો હોમ ટેસ્ટ કીટની મદદથી ઘરે જ કરતાં થઈ ગયા હોવાથી મુંબઈ પાલિકાએ આ કિટના ઉત્પાદકો, સપ્લાયરો અને વિક્રેતાઓ માટે ગુરુવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ ટેસ્ટ કિટના ઉપયોગનું પ્રમાણ એકદમ વધી ગયું હોવાથી પાલિકાએ આ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. 
નવી માર્ગદર્શિકામાં હોમ ટેસ્ટ કિટના ઉત્પાદકો, સપ્લાયરો અને વિક્રેતાઓને અમુક વિગતો દરરોજ નિર્ધારિત સ્વરૂપમાં ઇમેલ પર પાલિકા અને ફુડ ઍન્ડ ડ્રગ ઓથોરિટીઝ (એફડીએ)ને મોકલવાની સૂચના આપવામાં આવી છે. પાલિકાએ કહ્યું છે કે રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ કે પછી હોમ ટેસ્ટ કિટના તમામ રિઝલ્ટસની ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની જાણ કરવી જરૂરી છે. આ ટેસ્ટ કરનાર વ્યક્તિઓએ કે પછી લૅબોરેટરીઓએ મોબાઈલ ઍપથી આ જાણ કરી શકે છે. 
પાલિકાએ કહ્યું હતું કે આ પ્રકારે ટેસ્ટ કરનાર લોકો આઈસીએમઆરને રિઝલ્ટની જાણ કરતા નથી. આને લીધે પાલિકા દરદીઓ પર નજર રાખી શક્તી નથી અને આમ ચેપનો વધુ ફેલાવો થાય છે. એટલે દરદી પર પાલિકાની નજર હોય એ જરૂરી છે. 
હોમ ટેસ્ટ કિટના ઉત્પાદકો, સપ્લાયરો અને વિક્રેતાઓએ કમિસ્ટો અને મેડિકલ સ્ટોરને કેટલી કિટ વેચી છે એની માહિતી આપવાનુ પાલિકાએ જણાવ્યું છે. કિટના ઉત્પાદકો, પુરવઠો કરનારાઓ અને વિક્રેતાઓએ રોજ સાંજે છ સુધીમાં નિર્ધારિત સ્વરૂપમાં આ માહિતી પાલિકા અને એફડીએને આપવી પડશે. 
ગાઈલાઈન્સની જોગવાઈ મુજબ એફડીએના કમિશનર મુંબઈમાં કેમિસ્ટો અને મેડિકલ સ્ટોરવાળાને વેચવામાં આવતી હોમ ટેસ્ટ કિટ પર અને એના વિતરણ પર નજર રાખશે. એ કીટ ખરીદનારને રિઝલ્ટની જાણ આઈસીએમઆરને મોબાઈલ એપ પર કરવાની માહિતી પણ ગ્રાહકોને આપશે. 
કિટના ઉત્પાદકો, સપ્લાયરો અને વિક્રેતાઓ ઇમેલ પર જે ડેટા મોકલશે એના પર નજર એપિડેમિયૉલૉજી સેલ રાખશે. એ માહિતી પછી લાગતાવળગતા વૉર્ડને અને સંબંધિત અધિકારીને મોકલવામાં આવશે.  હોમ ટેસ્ટ કીટના રિઝલ્ટ આઈસીએમઆરની વેબસાઈટ કે ઍપ્લિકેશન પર અપલોડ થાય છે એનું વૉર્ડના અધિકારીઓ ધ્યાન રાખશે અને પેશન્ટોનું પણ ધ્યાન રાખશે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer