મરાઠીમાં સાઈન બોર્ડ લખવાના વિરોધ બદલ વેપારી અગ્રણીને નિશાન બનાવવાનું શરૂ

વીરેન શાહે પોલીસ રક્ષણ માટે ગૃહપ્રધાનને કરી વિનંતી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : નાના દુકાનદારો માટે પણ મરાઠીમાં સાઈનબોર્ડ લખવાનું ફરજિયાત બનાવવાના : મહારાષ્ટ્ર સરકાર તાજેતરનાં નિર્ણયનો વિરોધ કરનાર ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહને 2008-2009ની જેવા હુમલાની ભીતી હોવાથી રાજ્યના ગૃહ પ્રધાન અને મુંબઈ પોલીસને પત્ર લખીને સંરક્ષણ આપવાની વિનંતી કરી છે. 
રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલ અને પોલીસ કમિશનર તથા જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા)ને શુક્રવારે લખેલા પત્રમાં વીરેન શાહે કહ્યું છે 2008-2009મા પણ મરાઠીમાં સાઈનબોર્ડ લખવાના મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મને અંગત રીતે ટાર્ગેટ બનાવ્યો હતો અને પોલીસ કમિશનરના મુખ્યાલય સામે આવેલા મારા શોરૂમના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. એ વખતે મરાઠીમાં સાઈનબોર્ડ લખવાનો મુદ્દો હાઈ કોર્ટમાં હોવાથી કોર્ટે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારને મને સંરક્ષણ આપવાની સૂચના આપી હતી. 
તેમણે પત્રમાં કહ્યું છે કે, નાના દુકાનદારોએ પણ મરાઠીમા સાઈનબોર્ડ લખવું પડશે. એવા સરકારના બુધવારના નિર્ણયનો વિરોધ કરતાં ફરી એકવાર મને અંગત રીતે ટાર્ગેટ કરવામાં આવે એવી મને ભીતી છે. ગુરુવારે મારા શૉ-રૂમ સામે મારા વિરુદ્ધ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા અને મને નનામા કોલ આવવાની પણ શરૂઆત થઈ છે. હું  મને વૉટ્સઍપ પર પણ મેસેજો મળી રહ્યા છે. મારી સામે સોશિયલ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયામાં ઝુંબેશ પણ શરૂ થઈ છે. 
તેમણે કહ્યું છે કે, 2008-2009 જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે મને સંરક્ષણ આપવાની વિનંતી કરું છું. 2008-2009માં મારી સામેની ઝુંબેશ કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોની હાઈ કોર્ટના આદેશને પગલે ધરપકડ કરવામાં આવી હતી. હવે ફરીવાર હું આ મુદ્દે હસ્તક્ષેપ કરવા હાઈ કોર્ટને વિનંતી કરવાનો છું.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer