બજેટ સત્ર બાદ કોરોનાની સ્થિતિ સુધરશે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે

બજેટ સત્ર બાદ કોરોનાની સ્થિતિ સુધરશે તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં કોરોના તેના પીક પર હશે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. દરમ્યાનમાં, 10મીથી 12મી, જાન્યુઆરી સુધી યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કોરોનાના ફેલાવા માટે મોટું કારણ પૂરું પાડી શકે છે, એવી વ્યક્ત થયેલી દહેશતને પગલે, ગુજરાત સરકારે આ સમિટને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે પરંતુ હવે, સરકારના આંતરિક સૂત્રો મુજબ, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી માર્ચના અંત સુધી યોજાનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ જો, કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી હશે કે રોકાઈ ગઈ હશે તો, રાજ્ય સરકાર ફરીથી વાયબ્રન્ટ સમિટ યોજશે. 
હાલના તબક્કે ઉત્તરાયણ પર્વની ઉજવણી, કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટેની ગાઈડલાઈનના કડક પાલન અને લોકોના આરોગ્યની જાળવણી, આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથોસાથ લોકોને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડવા જેવી બાબતો, ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. માર્ચના અંતની સાથે જ જેવું વિધાનસભાનું સત્ર સમાપ્ત થશે કે તેની સાથે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરુ કરી દેવાશે. હમણાં-તાજેતરમાં જ સમિટને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. એટલે 1લી એપ્રિલથી મે કે જૂનના પ્રારંભ સુધીમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાશે અને ભારત સરકારના માર્ગદર્શનમાં રહીને સમિટ યોજવા માટેની કોશીશ કરાશે. હાલને તબક્કે સમિટ માટે જે કોન્ટ્રાક્ટ્સ અપાઈ ગયા છે. તેને જ યથાવત રાખીને આગળનું આયોજન પૂરું કરવાની વિચારણા ચાલી રહી છે.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer