સ્થાયી સમિતિના અધ્યક્ષ જાધવ ઉપર ભાજપને અવિશ્વાસ

સ્થાયી સમિતિના અધ્યક્ષ જાધવ ઉપર ભાજપને અવિશ્વાસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શિવસેનાના વરિષ્ઠ નગરસેવક અને મુંબઈ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ વિરુદ્ધ અવિશ્વાસ વ્યક્ત કરવા માટે પાલિકાના અધિનિયમ 1888ની કલમ 36(એચ) અનુસાર તાકીદે બેઠક બોલાવવાની વિનંતી કરતો પત્ર ભાજપએ મેયર કિશોરી પેડણેકરને લખ્યો છે.
ભાજપ જૂથના નેતા પ્રભાકર શિંદે અને વરિષ્ઠ નગરસેવક ભાલચંદ્ર શિરસાટ સહિત નવ નગરસેવકોની સહી સાથે મેયરને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવકવેરા ખાતાના અહેવાલ અનુસાર યશવંત જાધવએ ભ્રષ્ટાચાર દ્વારા એકઠાં કરેલા કાળાં નાણાંને હિસાબી નાણાંમાં ફેરવવા પ્રયત્નો કર્યાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં મહત્ત્વના વિષય ઉપર, આર્થિક ભ્રષ્ટાચાર કોવિડકાળમાં અને વિદ્યાર્થીઓ માટે ટેબની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને પોઈસર નદી મળ-જળ પ્રક્રિયા કેન્દ્રના પ્રસ્તાવમાં ગેરરીતિ અંગે સ્થાયી સમિતિમાં સભ્યોને બોલતા રોકવા તેમ જ પાઈપલાઈનના પ્રસ્તાવને ત્રણ દિવસ થયા નહીં હોવા છતાં તે વિશે વિચારણા કરવા જેવી અનિયમિતતાને કારણે અમે જાધવ ઉપર અવિશ્વાસ વ્યક્ત કરીએ છીએ, એમ પત્રમાં ઉમેરવામાં આવ્યું છે. આ પત્રમાં સહી કરનારા નગરસેવકોમાં વિનોદ મિશ્રા, જ્યોતિ અળવણી, હરિષ ભાદિર્ગે, વિદ્યાર્થીસિંહ, રાજેશ્રી શિરવડકર, કમલેશ યાદવ અને મકરંદ નાર્વેકરનો સમાવેશ થાય છે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer