કૉંગ્રેસ, બસપા સામે લાખો રૂપિયામાં ઉમેદવારી આપવાના આક્ષેપ

કૉંગ્રેસ, બસપા સામે લાખો રૂપિયામાં ઉમેદવારી આપવાના આક્ષેપ
લખનઊ, તા. 14 : ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ચકરાવામાં એક તરફ ભાજપ-સપા વચ્ચે નેતાઓની અદલા-બદલીના સમાચારો મળી રહ્યા છે ત્યારે કૉંગ્રેસ અને બસપા સામે લાખો રૂપિયામાં ઉમેદવારી આપવાના આક્ષેપો અને ફરિયાદો ઊઠી છે.
કૉંગ્રેસના લડકી હું, લડ સકતી હું કેમ્પેનની પોસ્ટર ગર્લ ડૉ. પ્રિયંકા મૌર્યએ કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના સચિવ સામે જ મોટી રકમ માગ્યાનો આક્ષેપ કર્યો છે. તો બસપાના નેતા શમસુદીન રાઈન સામે અરશદ રાણાએ 67 લાખ રૂપિયા હડપી લીધાની ફરિયાદ નોંધાવી છે. કૉંગ્રેસ સામે આક્ષેપ કરતા ડૉ. મૌર્યએ ટ્વિટ કર્યું હતું કે, પાર્ટીનું ચૂંટણી કેમ્પેન કરું છું છતાં હું ઓબીસી હોવાથી ઉમેદવારીને પાત્ર નથી. મૂળ વાત તો એ છે કે, હું પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહને માગેલી રકમ નથી આપી શકી. કૉંગ્રેસમાં ચારે કોર ધાંધલી ચાલી રહી છે અને ગાંધી પાર્ટીને સંભાળી નથી શકતા.
બસપાના પશ્ચિમ યુપીના પ્રભારી શમસુદ્દીન રાઈને 67 લાખ રૂપિયા હડપી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસ સામે રડી પડેલા અરશદ રાણાએ આક્ષેપ કર્યો હતો કે, બહેનજીની પાર્ટીમાં ટિકિટ માટે બ્લેક ચાલે છે. મને ઉમેદવારી આપવાનું કહીને રાઈને 67 લાખ રૂપિયા પડાવી લીધા છે અને ટિકિટ તો મળવાની નથી, એમ કહ્યું છે. રાણાએ કહ્યું હતું કે, રાઈન સામે મને જો ન્યાય નહીં મળે તો હું આત્મદહન કરીશ.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer